જોધપુરમાં ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માતઃ રામદેવરા બાબાના દર્શને જતા 5 શ્રદ્ધાળુઓના મોત, મૃતકો ગુજરાતના હોવાની પ્રાથમિક માહિતી

સવારે અંદાજે 5.30 વાગ્યાની આસપાસ બેરી ગામના વળાંક પાસે બાજરીના કોથળાઓ ભરેલુ ટ્રેલર બેકાબૂ બન્યુ હતું અને શ્રદ્ધાળુઓના ટેમ્પો સાથે અથડાયું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 16 Nov 2025 01:04 PM (IST)Updated: Sun 16 Nov 2025 01:04 PM (IST)
sabarkantha-news-jodhpur-accident-on-nh-125-5-devotees-died-14-injured-639074

Sabarkantha News: રાજસ્થાનના જોધપુરમાં આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-125 પર આવેલા ખારી બેરી ગામ પાસે એક પૂરપાટ ઝડપે જતાં ટ્રેલર અને શ્રદ્ધાળુઓથી ભરેલા ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવમાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 14થી વધુ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

ત્રણ લોકોના બનાવ સ્થળે જ મોત નીપજ્યાં હતા

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ રામદેવરા બાબાના દર્શનાર્થે ટેમ્પોમાં જઇ રહ્યાં હતા. ત્યારે સવારે અંદાજે 5.30 વાગ્યાની આસપાસ બેરી ગામના વળાંક પાસે બાજરીના કોથળાઓ ભરેલુ ટ્રેલર બેકાબૂ બન્યુ હતું અને શ્રદ્ધાળુઓના ટેમ્પો સાથે અથડાયું હતું. અકસ્માતના ટેમ્પોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના બનાવ સ્થળે જ મોત નીપજ્યાં હતા.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જોધપુર ખસેડાયા

બનાવની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. અકસ્માતના ઇજાગ્રસ્તોને પ્રથમ બાલેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જોધપુરની MDM હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે દર્દીનું મોત નીપજતા બનાવમાં કુલ મૃત્યુઆંક 5એ પહોંચ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત NH-125 ના વળાંક પર થયો હતો, જ્યાં સવારના સમયે ધુમ્મસ અને તેજ ગતિ પણ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે. ટ્રેલર ચાલક પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને વાહન જપ્ત કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના બાદ ખારી બેરી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાયો છે.

14 દર્દીઓની સારવાર ચાલી રહી છે

જોધપુરની MDM હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ વિકાસ કુમારે જણાવ્યા અનુસાર, ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કુલ 17 દર્દીઓ આવ્યા હતા, જેમાંથી ત્રણને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા, અને 14 દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક દર્દીને ઇન્ટ્યુબેશન આપવામાં આવ્યું છે અને તેની હાલત ગંભીર છે. એકને પેટમાં ઈજા થઈ છે, બીજાને છાતીમાં ઈજા થઈ છે અને એકને માથામાં ઈજા થઈ છે.