Sabarkantha News: મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અધ્યાપક મનિષ ચૌહાણ દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ મોકલવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટસ્ફોટ થતાં જ કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓની ઉગ્ર રજૂઆતો બાદ પોલીસે તાત્કાલિક પગલાં ભરીને આરોપી અધ્યાપકને ધરપકડ કરી જેલહવાલે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરનો રહેવાસી અને સરકારી ઇજનેરી કોલેજનો અધ્યાપક મનિષ ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થિનીઓને અભદ્ર અને બિભત્સ મેસેજ મોકલીને હેરાન કરતો હતો. એટલું જ નહીં, પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી હોવાના મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ અધ્યાપકની હરકતોથી ત્રાસેલી વિદ્યાર્થિનીઓએ બુધવારે હિંમત કરીને કોલેજ પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ વાત વણસતા કોલેજમાં ભારે હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓ અને તેમના પરિવારજનોએ અધ્યાપક સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
મોડાસા ટાઉન પીઆઈ ડી.બી. વાળા અને તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓને મળીને તેમની ફરિયાદ નોંધી હતી અને અધ્યાપક મનિષ ચૌહાણ સામે છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, પોલીસ આવતા જ અધ્યાપક ચૌહાણ અન્ય રસ્તાથી કોલેજ છોડી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડો. જીતેન્દ્ર વાઘેરે જણાવ્યું હતું કે, ઘટના બાદ એક કમિટીની રચના કરવામાં આવી છે, જેની બેઠક મળી ચૂકી છે. આ કમિટીએ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલ્યો છે., અધ્યાપક સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે અને નિયમોનુસાર કડક પગલાં લેવાશે.
