SIR In Surat-Gujarat: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં 100 ટકા ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.
સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં 4873512 મતદારો નોંધાયેલા છે, જે પૈકી 73.68 ટકા મતદારો એટલે કે કુલ 3590896 મતદારોના ફોર્મ પરત આવ્યા હોવાથી ડિજીટાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જેથી મતદારયાદીની ફાઈનલ ડ્રાફટ યાદીમાં આ 3590896 મતદારોનો સમાવેશ થશે. તે સિવાયના 25.9 ટકા એટલે કે 1268986 મતદારોના ફોર્મ ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં એટલે કે પરત આવ્યા નથી.
જિલ્લા કલેકટરે કહ્યું કે મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજીટાઈઝેશનની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. જો કોઈ મતદારનું પોતાનું નામ નીકળી ગયું હોય તો આગામી 9,10 અને 11 ડિસે. એમ ત્રણ દિવસમાં પોતાના BLO પાસે ફોર્મ જમા કરાવી શકશે. જો આગામી ત્રણ દિવસમાં ફોર્મ પરત ન આવે તો ડ્રાફટ યાદીમાંથી નામ નીકળી જશે. પરંતુ મતદારો પાસે વધુ એક તક રહેશે, જેમાં તા.16મી ડિસેમ્બરે ફાઈનલ યાદી પ્રસિધ્ધ થયા બાદ પણ ફરીવાર ફોર્મ નં.6 ભરીને પોતાના નામો મતદારયાદીમાં ઉમેરી શકશે.
જિલ્લા ચુંટણી અધિકારીએ કહ્યું કે આ SRની કામગીરી માટે આગામી તા.10 ડિસેમ્બર 2025ના રોજ જો કોઈ મતદારોએ ફોર્મ પરત આપવાના બાકી રહ્યા હોય તો BLO સંબધિત મતદાન મથકે સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી બેસશે. જેથી મતદારો ફોર્મ જમા કરાવી શકશે.
પરત મેળવી ના શકાયેલ હોય તેવા ગણતરી ફોર્મ એટલે કે ASD પૈકી સુરત જિલ્લામાં કુલ 1,45,460 લોકો મૃત્યુ, 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર થયા છે. 1,29,346 મતદારો મળી આવ્યા નથી.
