Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે ખેતરમાં પશુઓ માટે ઘાસચારો કાપી રહેલા દંપતી પર મધમાખીઓના ઝુંડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પતિનું મોત નીપજ્યું છે જયારે પત્ની હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે રહેતા જીતુભાઈ સુમનભાઈ પટેલ (ઉં.વ. 45) ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ૭ ડીસેમ્બરના રોજ સવારે જીતુભાઈ પત્ની મીનાબેન સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. સવારના સમયે જ્યારે તેઓ પશુઓ માટે ઘાસ કાપવામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક મધમાખીઓનું મોટું ઝુંડ ત્રાટક્યું હતું. મધમાખીઓએ જીતુભાઈના શરીર પર ઉપરાછાપરી ડંખ મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની પત્ની પણ આ હુમલાનો શિકાર બની હતી.
બીજી તરફ તેમની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ગંભીર હાલતમાં જીતુભાઈને ટાંકલ સ્થિત CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા જયારે પત્ની મીનાબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ખેતીકામ કરતા સમયે બનેલી આ ઘટનામાં ખેડૂતના મોતને પગલે વાઘેશ્વર ગામમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
