Surat: મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાઈ મહિલા, ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ

સુરતના મોટા વરાછામાં એક મહિલા ફ્લેટની બાલ્કનીમાં સ્લાઈડિંગ બારી લોક થતા ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી મુખ્ય દરવાજો તોડી મહિલાનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 12:20 PM (IST)Updated: Mon, 23 Nov 2026 12:20 PM (IST)
a-woman-trapped-on-a-balcony-in-the-mota-varachha-area-of-surat-was-rescued
ફ્લેટનો મુખ્ય દરવાજો તોડી મહિલાનું રેસ્ક્યૂ

Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્લેટની બાલ્કનીમાં ગયેલી 30 વર્ષીય મહિલા સ્લાઈડિંગ બારી અચાનક લોક થઈ જતાં અંદર જ ફસાઈ ગઈ હતી. ફ્લેટનો મુખ્ય દરવાજો પણ બંધ હોવાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો. ઘટનાની જાણ થતાં સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમે તાત્કાલિક પહોંચીને મેઈન ડોર તોડી મહિલાનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સામે આવ્યો છે. જે બાદ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

અચાનક બાલ્કનીની સ્લાઈડિંગ વિન્ડો લોક થઈ ગઈ

મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુઃખિયાના દરબાર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતાં 30 વર્ષીય કાજલબેન લાઠીયા કોઈ કામ માટે પોતાના ફ્લેટની બાલ્કનીમાં ગયાં હતાં. આ દરમિયાન અચાનક બાલ્કનીની સ્લાઈડિંગ વિન્ડો લોક થઈ ગઈ હતી. ફ્લેટમાં તે સમયે પરિવારનો અન્ય કોઈ સભ્ય હાજર નહોતો. બીજી તરફ, ફ્લેટનો મુખ્ય દરવાજો પણ બંધ હોવાથી કાજલબેન બાલ્કનીમાં જ અટવાઈ ગયાં હતાં. બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન રહેતાં તેમની મુશ્કેલી વધી હતી.

સ્થાનિક યુવકે સમયસૂચકતા દાખવી ફાયર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો

મહિલા બાલ્કનીમાં ફસાઈ ગયાની જાણ થતાં જ એક સ્થાનિક યુવકે સમયસૂચકતા દાખવી ફાયર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને મદદની માગણી કરી હતી. કોલ મળતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના સબ ઓફિસર સિદ્ધાંત ગઢવી પોતાની રેસ્ક્યૂ ટીમ અને જરૂરી સાધનસામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર વિભાગના જવાનોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. ઊંચાઈ પર આવેલી બાલ્કનીનો કાચ તોડીને પ્રવેશ કરવાને બદલે ફ્લેટનો મુખ્ય દરવાજો તોડીને અંદર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમે ફ્લેટનો મેઈન ડોર તોડી અંદર પ્રવેશ કર્યો

ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે ફ્લેટનો મેઈન ડોર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદરથી બાલ્કનીની સ્લાઈડિંગ બારી ખોલી કાજલબેનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં. ફાયર વિભાગની સમયસૂચકતા અને સફળ રેસ્ક્યૂ ઓપરેશનને કારણે મહિલાનો આબાદ બચાવ થયો હતો. મહિલાનું સહી સલામત રેસ્ક્યુ થતા પરિવારજનો સહિત એપાર્ટમેન્ટના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.