Kirti Patel Arrested: સુરતના પુણા પોલીસ મથકમાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે બદનક્ષી અને ખંડણીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવી છે. પુણા પોલીસની ટીમ આરોપી કીર્તિને લઈને સુરત આવી ગઈ છે. તે અગાઉ કીર્તિ પટેલ સામે ઘણા ગુના નોંધાયેલા છે. તેમજ તેનું ઇન્સ્ટાગ્રામ ID ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે.
કીર્તિ અને નયના બારૈયા વિરુદ્ધ ફરિયાદ
DCP આલોક કુમારે જણાવ્યું કે, સુરત શહેરના પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં કીર્તિ પટેલ અને નયના બારૈયા મુખ્ય આરોપી છે. આ કેસની વિગતો એવી છે કે, કીર્તિ પટેલે નયના બારૈયા સાથે ફરિયાદી પાસે રુ. 12 લાખ રુપિયા લઈને રેપની ફરિયાદનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદી રાજુ ભમ્મર પાસેથી 3 કરોડ 12 લાખ રુપિયા દોઢ વર્ષના સમયગાળામાં લીધા છે. આ ફરિયાદને આધારે તપાસ કરાઈ હતી.

કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવાશે
ફરિયાદની તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીને ખંડણીની ફરિયાદ ઉમેરી દેવાઈ હતી. પોલીસે એ પહેલા બંને આરોપીઓને નોટિસ પાઠવી હતી. આ ગુનામાં કીર્તિ પટેલ જુનાગઢ તરફના વિસ્તારમાં હતી. તેની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં તેને રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. કીર્તિ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે અગાઉ પણ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે.

વધુમાં જણાવ્યું હતું કે, કીર્તિ પટેલે નવું એકાઉન્ટ બનાવ્યું છે. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે અને બીજી આરોપી નયના બારૈયાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અગાઉના ગુનામાં તેના જામીન રદ કરવા માટે પણ પ્રક્રિયા કરવામાં આવી છે.
