Surat Municipal Corporation Election 2026: ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, અને રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સુરતના ન્યુ સીટી લાઈટ રોડ પર આવેલી આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
'NO VOTE & NO ENTRY' ના બેનર
અંદાજે 2500 થી વધુ રહીશો ધરાવતી આશીર્વાદ વિલા સોસાયટીના ગેટ પર જ મોટા અક્ષરે 'NO VOTE & NO ENTRY' ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. વધુમાં, આ સોસાયટીના તમામ સભ્યોએ સર્વાનુમતે આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
મત આપવા છતાં મળી માત્ર અસુવિધા
રહીશોએ સોસાયટી બહાર લગાવેલા બેનરો મારફતે વોર્ડ નંબર 22 ના ઉમેદવારો અને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે વ્યક્તિઓએ પ્રચાર માટે સોસાયટીની અંદર પ્રવેશવું નહીં. રહીશોનો સીધો આક્ષેપ છે કે છેલ્લા 20 વર્ષથી એક તરફી ખોબે ખોબે મત આપી રહ્યા છે, પરંતુ ટાઉન પ્લાનિંગના નામે તેમને વર્ષોથી માત્ર ને માત્ર અસુવિધા જ મળી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દાયકાથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આનાકાની અને હેરાનગતિ કરવામાં આવી રહી છે. વધુમાં તેમની જીવાદોરી સમાન મુખ્ય રોડ તથા ગાર્ડન રિઝર્વેશન છીનવીને અન્યોને ફાળવી દેવામાં આવ્યા છે.

વેરા ભરવા છતાં સુવિધાના નામે મીંડુ
સ્થાનિક રહીશ વિનોદભાઈ પટેલના જણાવ્યા અનુસાર, વર્ષ 2003 માં બનેલી આ સોસાયટીના રહીશો લોકશાહીની પ્રક્રિયામાં હંમેશા રંગેચંગે ભાગ લઈ સૌથી સારું મતદાન કરે છે. પરંતુ મનપાના તમામ ટેક્સ ભરવા છતાં આજદિન સુધી માત્ર એક પાણીની લાઈન સિવાય કોઈ પ્રાથમિક સુવિધા મળી નથી.
જ્યારે આ વિસ્તાર SUDA માંથી સુરત મહાનગરપાલિકામાં ભળ્યો અને TP ની પ્રક્રિયા ચાલી, ત્યારે રહીશોને કોઈ પ્રકારની નોટિસ અપાઈ નહોતી કે તેમની હાજરીને ગણતરીમાં લેવાઈ ન હતી. તેમનો અવરજવરનો જે મુખ્ય રસ્તો હતો તે રિઝર્વેશનમાં લઈને કોઈ પ્રાઇવેટ પ્લોટ અથવા સરકારી માલિકીમાં અલોટ કરી દેવામાં આવ્યો છે.
તમામ રહીશોએ પોતાની વ્યથા ઠાલવી
અન્ય રહીશોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ચૂંટણી સમયે શાસક પક્ષના નેતાઓ મોટા કમિટમેન્ટ કરે છે, પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી અને સરકારી ઓફિસોના ચક્કર જ ખાવા પડે છે. શાસકો માત્ર "આકાશમાં તારા બતાવે છે પણ હાથમાં કઈ આવતું નથી" તેવો ઘાટ સર્જાયો છે.
રહીશોનું માનવું છે કે અત્યાર સુધી લોકો નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને વોટિંગ કરતા રહ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે એક તરફી શાસન આવવાના કારણે નેતાઓને લોકોની સમસ્યાઓ ઉકેલવામાં કોઈ જ રસ રહ્યો નથી તેવું પ્રતિત થઈ રહ્યું છે. આ જ કારણોસર આ વખતે સોસાયટીએ સાર્વજનિક રીતે આ ચૂંટણીમાં મતદાન ન કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.
