Surat: કોસંબામાં માંતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે બે બાઈકને અડફેટે લીધા, પિતા-પુત્રી સહિત 3ના મોત

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ડ્રાઈવર ભાગવા જતાં લોકોએ પકડીને ઝાડ સાથે બાંધીને રાખ્યો અને પોલીસ આવતા સોંપી દીધો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 14 Apr 2026 11:12 PM (IST)Updated: Tue 14 Apr 2026 11:12 PM (IST)
surat-accident-speeding-dumper-kills-3-including-father-daughter-in-kosamba-728120
HIGHLIGHTS
  • મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
  • ડમ્પરનો ડ્રાઈવર નશામાં ધૂત હોવાની આશંકાને પગલે લોકોમાં આક્રોશ

Surat: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પરના ચાલકે બે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રી સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોસંબા વિસ્તારમાં એક ડમ્પરના ચાલકે પોતાનું વાહન પુરપાટ હંકારીને સામેથી બાઈક પર આવી રહેલા પરિવારને ઠોકર મારીને ઉડાવ્યા હતા. ડમ્પરની ટક્કરથી બાઈક પર સવાર લોકો હવામાં ફૂટબોલની માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા.

આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા-પુત્રીના તેમજ રોડની બાજુમાં કામ કરી રહેલા શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરના ડ્રાઈવરે ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આસપાસના લોકોએ તાત્કાલિક તેને ઝડપી પાડ્યો હતો. ડમ્પર ચાલક દારૂના નશામાં ધૂત હોવાની આશંકાને પગલે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમણે અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પકડીને એક ઝાડ સાથે બાંધી દીધો હતો.

આ અકસ્માતની જાણ થતાં કોસંબા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ઐય્યુબ શાહ (ઉં.વ. 42, રહે. ઈદગાહ ફળિયુ, જૂના કોસંબા) અને અલ્ફીયા શાહ (13) તરીકે થઈ છે. હાલ તો પોલીસે બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ડ્રાઈવરની અટકાયત કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.