UpdatedIST

Surat: બાંધકામ ન તોડવા ફરિયાદી પાસે મનપાના ઇજનેરે માંગી 15 લાખની લાંચ, ACB ટીમના છટકા વચ્ચે વચેટીયો પત્રકાર 4 લાખ લઈ ગયો

સુરતમાં ACB દ્વારા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર તથા એક પત્રકાર વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 20 Feb 2026 01:56 PM (IST)Updated: Fri 20 Feb 2026 01:56 PM (IST)
surat-corporation-executive-engineer-and-journalist-accused-of-demanding-bribe-695646
HIGHLIGHTS
  • સુરત મનપાના કાર્યપાલક ઈજનેરે લાંચ માંગ્યાનો આક્ષેપ
  • આરોપી સાથે પત્રકાર વિરુદ્ધ પણ લાંચ માંગવાનો ગુનો
  • સુરતમાં ACBએ પત્રકાર અને ઈજનેર સામે ગુનો નોંધ્યો

Surat bribery case: સુરતમાં ACB દ્વારા મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલા તથા પત્રકાર વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દ્વારા બાંધકામ નહીં તોડવાના અવેજ પેટે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, લાંચના છટકા દરમિયાન પત્રકાર 4 લાખની લાંચ લઈને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, સુરતમાં રહેતા એક વ્યક્તિ દ્વારા સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-135 પર બાંધકામ કરવામાં આવ્યું હતું. જોકે, સાઈડ પર સુરત મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી દ્વારા ગત 10 નવેમ્બર, 2025 ના રોજ મનાઈ હુકમની નોટિસ આપી ગયા હતા. જે બાદ ગત 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ બાંધકામવાળી જગ્યાએ નોટિસ ચોંટાડી ડિમોલિશનનું કામ ચાલુ કર્યું હતું.

જોકે, બાદમાં ડિમોલિશન ચાર્જ પેટે રૂ.1,70,000 વસુલી લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાની સૂચનાથી ડિમોલિશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાના ખાસ માણસે બાંધકામ નહીં તોડવા બદલ લાંચની માંગણી કરી હતી.

આ અંગે મળતી વિગત અનુસાર, નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણે ફરિયાદીને અવારનવાર રૂબરૂ મળીને બાંધકામ નહીં તોડવાના અવેજ પેટે કાર્યપાલક ઇજનેર વિપુલને 21 લાખની રકમ વ્યવહાર પેટે આપવાની વાત કરી હતી.

લાંબી રકઝકના અંતે કાર્યપાલક ઈજનેર સાથે ટેલિફોનિક ચર્ચા થયા મુજબ 15 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી 19 ફેબ્રુઆરીના રોજ 4 લાખ અને બાકીના 11 લાખ રૂપિયા સોમવાર સુધીમાં આપવાની વાત કરી હતી. આ મામલે ACB માં ફરિયાદ થતા ટીમે છટકું ગોઠવ્યું હતું.

આ દરમિયાન નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ શાંતિનગર આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસ ખાતે ફરિયાદીને મળવા પહોંચ્યા હતા. અહીં આરોપી પત્રકારે લાંચની રૂ. 4 લાખની રકમ સ્વીકારી હતી.

જોકે, આરોપી પત્રકારને શંકા જતા લાંચની રકમ લઈને તે નાસી ગયો હતો. તેમજ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલા તપાસ દરમિયાન મળી આવ્યો ન હતો. આ સમગ્ર મામલે ACB ટીમ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.