UpdatedIST

Surat: ઉમરામાં ડિવોર્સી મહિલા પુત્રને ગળે ફાંસો આપી પોતે પણ લટકી ગઈ, પૂર્વ પતિ સહિત સાસરિયાના ત્રાસથી ભર્યું આત્યંતિક પગલું

લગ્ન સમયે પણ દીકરીના સાસરિયાઓએ અમને અંધારામાં રાખ્યા હતા, પાછળથી અમને જાણ થઈ કે, જમાઈના આ બીજા લગ્ન છે અને પહેલી પત્ની સાથે તેણે ડિવોર્સ લીધા છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 13 Feb 2026 03:58 PM (IST)Updated: Fri 13 Feb 2026 04:58 PM (IST)
surat-crime-news-divorced-woman-allegedly-kills-4-year-old-son-before-suicide-in-umra-area-691257
HIGHLIGHTS
  • મૃતકની માતાની ન્યાય માટે કાકલૂદી

Surat: શહેરના ઉમરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના 4 વર્ષના પુત્રને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત શહેરના પોશ ગણાતા ઉમરા વિસ્તારમાં રહેતી પૂનમ શાહ (26) નામની ડિવોર્સી મહિલાએ આજે પોતાના 4 વર્ષના પુત્ર શિવાય સાથે જીવન ટૂંકાવ્યું હતુ. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં પૂનમ શાહે પોતાના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતા પોતાના પુત્રની સાથે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે.

આ મામલે મૃતકની માતાએ દીકરીના પતિ સહિતના સાસરિયા પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું કે, મારી દીકરીના કરણ શાહ સાથે લગ્ન થયા, ત્યારે તે લોકોએ અમારા આખા ઘરને અંધારામાં રાખ્યા હતા. તેના પતિના પહેલા લગ્ન થઈ ગયા હોવા છતાં તેમણે અમને કશું જણાવ્યું નહતુ. જો કે પાછળથી અમને ખબર પડી હતી કે, તેના પતિના પહેલી પત્ની સાથે પણ ડિવોર્સ થઈ ગયા હતા.

પહેલી પત્ની સાથે પણ આ લોકોએ આવું જ કર્યું હતુ. મારી દીકરીની સાસુ અને નણંદે પહેલી પત્ની પાસે પણ જમાઈના સાથે રહીને છૂટાછેડા કરાવ્યા હતા. હવે મારી દીકરી સાથે પણ આવું જ કર્યું છે. આથી મારી એક જ માંગ છે કે, મને ન્યાય મળવો જોઈએ. મારી દીકરીના પૂર્વ પતિ તેની સાસુ અને નણંદને કડકમાં કડક સજા થવી જોઈએ.

હાલ તો સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતવરણમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ અંગે DCP નિધિ ઠાકુરે જણાવ્યું કે, પીપલોદ પાસપોર્ટ ઑફિસ પાસે રહેતા પૂનમ તાયડે (26) અને તેના પુત્ર શિવાય (4)ને ગળેફાંસો ખાઈ લેતા મૃત જાહેર કરવામાં આવ્યા છે. મૃતક પૂનમના 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા, જ્યારે દોઢ વર્ષ પહેલા જ તેના પતિ સાથે ડિવોર્સ થયા છે. હાલ તો ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. જો કોઈ સ્યુસાઈડ નોટ મળશે કે પરિવારજનોનો આક્ષેપ હશે તો આગળ એ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે.