Surat family Mysterious death: સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સોયશેરીમાં પતિ-પત્ની અને પુત્રનું મોત થયું હતું. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. PM રિપોર્ટમાં ત્રણેયનું મોત કાર્બન મોનોકસાઈડ ગેસ ગળતરથી થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત
મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ હરીપુરા વિસ્તારમાં આવેલી સોય શેરીના એક મકાનમાં અંદાજે 40 વર્ષીય ફૈઝ અહેમદ સૈયદ તેમની પત્ની 35 વર્ષીય મુબીનાબાનુ અને 13 વર્ષીય પુત્ર નોમાન તથા 11 વર્ષની દીકરી સાથે રહેતા હતા. તેઓ બે મોટા ભાઈઓ સાથે ભેસ્તાનમાં કેમિકલનો વેપાર કરતા હતા.
ઘરમાં મળ્યા ત્રણેયના મૃતદેહ
ગતરોજ ફૈઝ અહેમદ સૈયદ, તેમની પત્ની અને પુત્રના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી મળી આવ્યા હતા. ફૈઝ અહેમદ છેલ્લા બે કલાકથી ફોન નહીં ઉપાડતા રામપુરાથી મોટો ભાઈ ઘરે પહોંચ્યો હતો. જોકે, તેમ છતા ફૈઝ અહેમદે દરવાજો ન ખોલાતા પડોશીઓની મદદથી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો
તમામના મોઢામાંથી નીકળતા હતા ફીણ
જોકે, ઘરમાં પ્રવેશતા જ તેઓ ચોંકી ગયા હતા. આ 15 બાય 40ના ગાળાના ફ્લેટમાં કિચનમાં 12 વર્ષીય નોમાનનો મૃતદેહ પડ્યો હતો. આગળ જતા બેડરૂમમાં બેડની નીચે ફૈઝ અહેમદ અને તેની પત્ની મુબીનાબાનુનો મૃતદેહ પડ્યો હતો. તમામના મોઢામાંથી ફીણ નીકળતા હતા. આ બનાવ અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
બીજી તરફ એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ફોરેન્સિક ટીમને બોલાવીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બેડરૂમ અને કિચન એરિયાની વચ્ચે જ ગેસ ગીઝર હતું. આથી ગેસ ગળતરથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું મોતનું કારણ
પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં પણ કાર્બન મોનોકસાઈડથી મોત નીપજ્યાંની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ-ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ ગેસ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે ત્રણેયના મોત થયા હોવાનું તબીબે જણાવ્યું હતું. PM રિપોર્ટના આધારે પોલીસ ટીમે અકસ્માતે મોતનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Surat: સમગ્ર પરિવારનું રહસ્યમય મોત; પતિ-પત્ની અને બાળકનો મૃતદેહ મળ્યો, પરંતુ અલગ-અલગ રૂમમાં!
ઘટના માટે જવાબદાર કારણો
પોલીસે નોંધ્યું હતું કે, ફ્લેટમાં હવા ઉજાસના નામે આગળ દરવાજો અને એક બારી ઉપરાંત છેલ્લે બેડરૂમમાં એક બારી હતી, જે દુર્ઘટના સમયે બંધ હતા. બાથરૂમમાં ગરમ પાણીની વ્યવસ્થા માટે ગેસ ગીઝર રૂમની બહાર નહીં પરંતુ કિચન અને બેડરૂમની વચ્ચે લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાતે કોઈ વ્યક્તિએ બાથરૂમનો ઉપયોગ કર્યો હોય ત્યારે ભૂલથી અથવા કોઈ બીજી રીતે ગરમ પાણીના નળનો કોક થોડો ચાલુ થઈ જતા ગરમ પાણી શરૂ થયું હોવું જોઈએ. તે સાથે જ કિચન અને બેડરૂમ વચ્ચે ગળતર શરુ થતા ત્રણેય ગૂંગળાઈ ગયા હોઈ શકે.
દાદા-દાદી સાથે હોવાથી દીકરી બચી ગઈ
મળતી માહિતી મુજબ મૃતક ફૈઝ અહેમદ પરિવાર સાથે ગત 15મી જાન્યુઆરીના રોજ મક્કા-મદીના ઉમરાહ માટે ગયા હતા, અને ગત શુક્રવારે સંતાનો સાથે પરત આવ્યા હતા. રામપુરા કાકા-કાકીના ઘરે ગયા હતા, જ્યાં પરિવાર સાથે શનિ-રવિની રજા બાદ હરીપુરા ઘરે આવ્યા હતા. જોકે, મૃતક ફૈઝની 11 વર્ષીય દીકરી રામપુરા જ રહી હતી, જેથી દુર્ઘટનામાં તેનો બચાવ થયો હતો.
