Surat: કામરેજમાં ભયાનક હિટ એન્ડ રન, અજાણી કારે મારી ટક્કર, યુવક હવામાં ફંગોળાયો; ઘટના CCTVમાં કેદ

પોલીસે CCTV ફૂટેજ કબજે કરી ફરાર કાર ચાલકની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 14 Apr 2026 01:16 PM (IST)Updated: Tue 14 Apr 2026 01:16 PM (IST)
surat-kamrej-hit-and-run-sevni-kosmadi-road-cctv-video-one-injured-727755
HIGHLIGHTS
  • કામરેજમાં ભયાનક હિટ એન્ડ રન
  • સેવણી-કોસમાડી રોડ પરનો બનાવ
  • કારની ટક્કરે યુવક હવામાં ફંગોળાયો

Surat accident news: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા સેવણી-કોસમાડી રોડ પર એક ચોંકાવનારો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે જતી એક અજાણી કારે 24 વર્ષીય યુવકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

અજાણી કારે યુવકને મારી ટક્કર

પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજ તાલુકાના મોરથાણા ગામના રોડ ફળિયામાં રહેતા 24 વર્ષીય રાહુલ રાકેશભાઈ રાઠોડ આમલેટની લારી પર કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. ગત રોજ તે સેવણીથી કોસમાડી પાટિયા તરફના માર્ગે કુદરતી હાજતે ગયો હતો. જ્યારે રાહુલ ચાલીને પરત ફરી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી અજાણી ફોર વ્હીલ કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ યુવક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. લોહીલુહાણ હાલતમાં રાહુલને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં રાહુલને ડાબા પગના નળાના ભાગે ફ્રેક્ચર થયું છે, તથા માથા અને મોઢા પર સામાન્ય ઈજાઓ પહોંચી છે.

કાર ચાલક સામે કાર્યવાહી શરૂ

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા દાખવવાના બદલે ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ગંભીર મામલે રાહુલની માતા ટીનુબેન દ્વારા કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ કબજે કરી ફરાર કાર ચાલકની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.