Surat Municipal Election 2026: સુરત મનપાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 30 વોર્ડની 120 બેઠકો પર 483 ઉમેદવારો મેદાનમાં

30 વોર્ડ માટે 1059 ફોર્મ ભરાયા હતા. જો કે ચકાસણી દરમિયાન 561 ફોર્મ રદ્દ કર્યા બાદ આજે અંતિમ દિવસે વધુ 16 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ખેંચી લીધા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 15 Apr 2026 09:06 PM (IST)Updated: Wed 15 Apr 2026 09:06 PM (IST)
surat-municipal-election-2026-483-candidates-in-fray-for-120-seats-728694
HIGHLIGHTS
  • સુરત મનપામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ

Surat Municipal Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે હવે કુલ 483 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

આગામી તા.26મી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો માટે મતદાન યોજાશે. સુરત મનપાના 30 વોર્ડની બેઠકો માટે શરૂઆતમાં કુલ 1059 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જોકે,ચકાસણી દરમિયાન 561 ફોર્મ રદ થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વધુ 16 ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચતા હવે 483 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે.

સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 120, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 117, આમ આદમી પાર્ટી (AAP)ના 111 અને અપક્ષ તથા અન્ય 135 મળીને કુલ 483 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે.

ઉમેદવારીપત્રોની આખરી યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે શહેરના તમામ 30 વોર્ડમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી પ્રચાર વેગવાન બનશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ વહીવટીતંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ચૂંટણી તંત્ર દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુક્ત, ન્યાયી અને સંપૂર્ણ પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે તમામ સ્તરે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાના પાલન સાથે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટેની તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે.