Surat Nasirnagar Demolition Case: સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલીશન મામલે મોટા સમાચાર સામે છે. 20 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની કામગીરીને લઈને વેધક સવાલ ઉઠાવ્યા હતા. હાઈકોર્ટની ફટકાર બાદ ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકારે નાસીરનગર ડિમોલીશનની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.
એમ. થેન્નારસનનીની અધ્યક્ષતામાં તપાસ સમિતિ
આ સમગ્ર મામલો અત્યંત ગંભીર અને કાનૂની ગૂંચવણો ભરેલો બનતા, ઘટનાની વિગતવાર અને તલસ્પર્શી તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકારે સ્વીકાર્યું કે, સુરતમાં થયેલ ડિમોલિશનની કામગીરી અત્યંત સંવેદનશીલ છે અને તેથી સત્ય બહાર લાવવા વિશેષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
આ નવગઠિત બે સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનીવાલને આ સમિતિના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
60 દિવસમાં સોંપવો પડશે આ રિપોર્ટ
સરકારી ઠરાવની જોગવાઈઓ અનુસાર, આ સમિતિએ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરીને આગામી 60 દિવસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો રહેશે. કોર્ટના કડક વલણ બાદ હવે આ કમિટી 60 દિવસમાં તપાસ પૂર્ણ કરીને શું રિપોર્ટ આપે છે તેના પર સૌની નજર રહેશે.
સમિતિના અધ્યક્ષને મળી વિશેષ સત્તા
આ ઉપરાંત, તપાસ પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે સમિતિના અધ્યક્ષ એમ. થેન્નારસનને એક વિશેષ સત્તા પણ આપવામાં આવી છે. જો તેમને જરૂર જણાય તો તેઓ અન્ય કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓને તપાસમાં 'આમંત્રિત સભ્ય' તરીકે સામેલ કરી શકશે.
