Surat News: રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ગ્રૂપ દ્વારા મોટા વરાછા ખાતે આયોજિત 'પ્યોર વિવાહ – સમૂહ લગ્નોત્સવ 2026'માં શનિવારે 75 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. SRK નોલેજ ફાઉન્ડેશન અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ 12મા સમૂહ લગ્નોત્સવમાં, દરેક નવવધૂને રૂ.3 લાખથી વધુની કિંમતની ઘરવખરી કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ ભવ્ય પ્રસંગે હજારોની મેદની ઉપસ્થિત રહી હતી.
આ લગ્નોત્સવની મુખ્ય વિશેષતા દીકરીઓને અપાયેલી કરિયાવર ભેટ હતી. SRK પરિવારે દરેક નવવધૂને ₹3 લાખથી વધુની ગુણવત્તાયુક્ત ઘરવખરી અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. આ પહેલનો હેતુ નવદંપતિઓને આર્થિક બોજ વિના નવો સંસાર શરૂ કરવામાં મદદ કરવાનો હતો, જેથી વાલીઓના ચહેરા પર સંતોષની લાગણી સ્પષ્ટ દેખાતી હતી.
વર્ષ 2015થી શરૂ કરાયેલ 'પ્યોર વિવાહ' અભિયાન હવે સામાજિક સેવાનું એક વિશાળ ઉદાહરણ બની ગયું છે. આ 12મા મહોત્સવ સાથે અત્યાર સુધીમાં કુલ 1000થી વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન થયા છે. સુરતમાં સામાજિક જવાબદારીનું આ એક અનોખું પ્રતીક છે, જ્યાં દીકરીઓના લગ્નને માત્ર એક વિધિ નહીં, પરંતુ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પણ 15,000થી વધુ લોકો આ ભવ્ય સમારોહના સાક્ષી બન્યા હતા.
SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણાથી આ ભવ્ય આયોજન શક્ય બન્યું છે. તેઓ દ્રઢપણે માને છે કે સંપત્તિનો સાચો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે થવો જોઈએ. ગોવિંદભાઈ દરેક દીકરીને પોતાના પરિવારની દીકરી માનીને આ સમૂહ લગ્નોત્સવની સંકલ્પના કરી છે, જેથી દીકરીઓ આત્મસન્માન સાથે સાસરે વિદાય લઈ શકે.
આ મંગલમય અવસરે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને અર્જુનરામ મેઘવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી નવદંપતિઓને શુભકામનાઓ પાઠવી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક મહાનુભાવોએ આ સામાજિક કાર્યને બિરદાવ્યું હતું.
સમગ્ર લગ્નોત્સવ દરમિયાન પરંપરાગત રીતિ-રિવાજો અને વિધિઓનું પાલન કરવામાં આવ્યું હતું. જાન આગમનથી લઈને હસ્તમેળાપ અને આશીર્વચન સમારોહ સુધીની દરેક ક્ષણ આનંદ અને ઉત્સાહથી ભરેલી રહી હતી. 15,000 લોકો માટે ભોજનની ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન થયેલા આ લગ્નોત્સવમાં દરેક નવદંપતિએ શિસ્ત અને શ્રદ્ધા સાથે નવા જીવનના શ્રીગણેશ કર્યા.
સમારોહના અંતે કન્યા વિદાયના દ્રશ્યો ખૂબ જ ભાવુક કરનારા હતા. હજારો લોકોની ઉપસ્થિતિમાં દીકરીઓને વિદાય આપતી વખતે વાલીઓની આંખોમાં ખુશી અને વિદાયના મિશ્રિત આંસુ હતા. પિતાતુલ્ય હેત વર્ષાવી SRK પરિવારના સભ્યોએ દરેક દીકરીને સાસરે વળાવી હતી. રૂ.3 લાખથી વધુની ઘરવખરી અને ગરિમામય આયોજને સુરતમાં સેવા અને સંવેદનાના મૂલ્યો આજે પણ જીવંત છે તે સાબિત કર્યું.
