Surat: સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ATM સેન્ટરો પર મદદ કરવાના બહાને લોકોના ATM કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી આંતર રાજ્ય ગેંગના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સચિન પોલીસને સફળતા મળી છે.
આ મામલે પોલીસે મૂળ ઉતર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના વતની નૌશાદઅલી મુનીરઅલી શેખ [ઉ.૩૪] અને અખિલેશ નન્હેલાલ પાલ [ઉ.૨૭] ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 54 નંગ ATM કાર્ડ, 45 હજારની રોકડ, એક મોટરસાયકલ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓની પૂછપરછમાં તેમની મોડસ ઓપરેન્ડી (MO) સામે આવી છે કે, જેમાં તેઓ ભેગા મળી ATM કેબિન બહાર વોચ રાખતા હતા. કોઈ ઉંમરલાયક તથા જેમને કાર્ડ વાપરતા ન આવડતું હોય તેવા લોકોને નિશાન બનાવતા હતા અને મદદ કરવાના બહાને તેઓ પાસેથી પિન નંબર જાણી લેતા અને નજર ચૂકવી પોતાની પાસે રહેલું તે જ બેંકનું બીજું કાર્ડ પધરાવી દઈ ઓરિજિનલ કાર્ડ લઈ ગણતરીની મિનિટોમાં ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. આરોપીઓની ધરપકડ સાથે સુરતના સચીન GIDCના ૩ અને કતારગામ પોલીસ મથકનો એક ગુનો મળી કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નૌશાદઅલી સામે ઉત્તર પ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનમાં લૂંટ, આર્મ્સ એક્ટ અને હત્યા સહીત 13 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે અખિલેશ પાલ સામે યુ.પી.માં બળાત્કાર, છેતરપિંડી અને કામરેજમાં પણ છેતરપીંડી મળી કુલ 4 ગુના નોંધાયેલા છે.
