Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સુરત મહાનગર પાલિકા સંચાલિત કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં ગંદુ અને દૂષિત પાણી ભરાઈ જતાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે મોર્નિંગ વોક માટે આવતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલુ કલાપી ગાર્ડન આસપાસના લોકો માટે સવારની કસરત અને વોકિંગ માટેનું મુખ્ય સ્થળ છે. જોકે, તળાવમાં ભરાયેલા ગંદા પાણીને કારણે ફેલાતી તીવ્ર દુર્ગંધ એટલી બધી છે કે લોકોને મોઢા પર રૂમાલ બાંધીને ચાલવાની ફરજ પડી રહી છે.
આ સમસ્યા અંગે સ્થાનિક જાગૃત નાગરિકોએ સુરત મહાનગરપાલિકા (SMC) સમક્ષ રજૂઆત કરી છે. લોકોની મુખ્ય માંગ છે કે મનપા દ્વારા તાત્કાલિક ધોરણે આ તળાવનું ગંદુ પાણી સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે અને તેમાં નવું સ્વચ્છ પાણી ભરવામાં આવે, જેથી ગાર્ડનની સ્વચ્છતા જળવાય અને લોકોને દુર્ગંધમાંથી મુક્તિ મળે. રહીશોએ મનપાને વહેલી તકે આ મામલે પગલાં ભરવા વિનંતી કરી છે.
સામાજિક કાર્યકર્તા મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે ડ્રેનેજનું ગંદુ પાણી આઉટલાઈન દ્વારા તળાવની અંદર ઠલવાઈ રહ્યું છે અને ખુબ જ દુર્ગંધ મારે છે, અહિયાં જે લોકો વોકિંગમાં આવે છે એ લોકોથી અહી વોકિંગ પણ થતું નથી, સુરત મહાનગર પાલિકા આવા મુદ્દામાં બિલકુલ નિષ્ફળ ગયી છે, આટલું મોટું ગાર્ડન હોય અને તેની અંદર આવી રીતે ગંદુ પાણી છૂટતું હોય અને કોઈને પડી ન હોય અને અમે ફરિયાદ કર્યા પછી એને જોવા આવે છે અને જોયા બાદ હજુ નકકર કામગીરી થઈ નથી, અહી ટરસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે જેમાં ગંદુ પાણીને ચોખ્ખું કરવામાં આવે છે, આના માટે જવાબદાર કોણ ?
