Surat News: સુરત શહેરના પુણા વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓની આસપાસ આવેલી સોસાયટીઓમાં મચ્છર અને ગંદકીના ત્રાસથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રહીશોની સમસ્યાનું નિરાકરણ નહીં થતા સ્થાનિક મહિલાઓએ મેયર અને મહાનગરપાલિકા તંત્રને ત્યાં આવીને ઘરે રોકાવા અને ભજીયા ખાવા આમંત્રણ આપીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.
મચ્છર-ગંદકીના ત્રાસથી ત્રાહિમામ રહીશો
સુરતના પુણા વિસ્તારમાં ખાડી કિનારે આવેલ સહયોગ, સમ્રાટ અને ગૌતમ સોસાયટી સહીતની આસપાસની સોસાયટીમાં મચ્છરોના કારણે રહીશોને ભારે હાલાકી પડી રહી છે. આ મામલે સ્થાનિકોએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક મહિલાઓએ મેયર અને મનપા તંત્રને ત્યાં આવીને રોકાવવા અને ભજીયા ખાવા આમંત્રણ આપ્યું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, મચ્છરના ત્રાસને કારણે ઘરમાં કોઈની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય, પણ બીમારી આવતા દવાખાને જવું પડે છે અને ડેન્ગ્યુ જેવા રોગોનો ભય રહે છે. મહિલાઓએ આક્ષેપ કર્યો કે માત્ર ધુમાડા કરવાવાળા આવે છે, પરંતુ કોઈ અધિકારી કે નેતા રહીશોની સમસ્યા પૂછવા આવતા નથી.

ભજીયા ખાવા આમંત્રણ આપી અનોખો વિરોધ
સહયોગ સોસાયટીની સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે મેયર અને સુરત મહાનગરપાલિકાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું કે તમે એક વાર સહયોગ સોસાયટીમાં આવો અને અહીં જુઓ કે ગંદકી અને મચ્છરનો કેટલો ત્રાસ છે, તમે એક વાર આવીને અહીં બેસીને જુઓ તમને એવું લાગે કે ખરેખર ત્રાસ છે તો કંઈક નિકાલ કરજો નહીં તો હું ભાવભર્યું ભજીયાનું આમંત્રણ આપું છું કે હું મારા હાથે બનાવેલા ભજીયા ખવડાવીશ અને મારા ઘરે રોકાવાનું આમંત્રણ આપું છું.
તેમણે વધુમાં જણાવ્યું કે, તમારો બધો જ ખર્ચ હું આપીશ, તમને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી રહેજો, પણ એક વાર આવીને જુઓ કે મચ્છરના ત્રાસથી અમે કેટલા હેરાન થઈએ છીએ, જો તમે બીમાર નહીં પડો તો હું બે હાથ જોડીને માફી માંગી લઈશ અને જો બીમાર પડશો તો તમારે જોવાનું કે આ સમસ્યાનું નિકાલ કેવી રીતે લાવવું, પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે મેયર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવીને જુએ.

સ્થળે રૂબરૂ આવીને પરિસ્થિતિ જોવા રજૂઆત
અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા અને મેયરને આમંત્રણ આપું છું કે અમારી સોસાયટીમાં આવીને એક વખત આવીને અહીંની પરિસ્થિતિ જુઓ, અમે તમારા માટે સ્પેશિયલ ભજીયાનો પ્રોગ્રામ રાખીશું તેનો ખર્ચો પણ અમે આપીશું, તમે 5 દિવસ રોકાઉં તો ખબર પડે કે અમે કેટલું સહન કરીએ છીએ, દર વર્ષે ચૂંટણી સમયે તમે કહો છો કે ચૂંટણી પછી કરી દઈશું, 30 વર્ષથી અમે માત્ર વાયદા સાંભળીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, અહીં મચ્છરના ત્રાસને કારણે ઘરમાં કોઈની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય, પણ બીમારી આવતા દવાખાને જવું પડે છે અને ડેન્ગ્યુ જેવા રોગોનો ભય રહે છે. મહિલાઓએ આક્ષેપ કર્યો કે માત્ર ધુમાડા કરવાવાળા આવે છે, પરંતુ કોઈ અધિકારી કે નેતા રહીશોની સમસ્યા પૂછવા આવતા નથી. માત્ર ચૂંટણી આવે ત્યારે જ બધા આવે છે ત્યાં સુધી કોઈ આવતું નથી. અમે વેરા પણ ભરીએ છીએ તો પણ કેમ સમસ્યાનું નિરાકરણ થતું નથી.
