SMC Election 2026: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, 2.47 લાખથી વધુ મતદારો 26 એપ્રિલે મતદાન કરશે

સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે 1199 મતદાન મથકો પર 92,4320 મતદારો નોંધાયા છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 02 Apr 2026 06:53 PM (IST)Updated: Thu 02 Apr 2026 06:53 PM (IST)
surat-smc-election-2026-over-2-47-million-voters-to-cast-vote-on-april-26-720389
HIGHLIGHTS
  • ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ શરૂ
  • 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવાશે, 28મીએ મતગણતરી હાથ ધરાશે

SMC Election 2026: ગુજરાત ચૂંટણીપંચ દ્વારા 1લી એપ્રિલ-2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-2026નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ વહીવટી તંત્ર ચૂંટણીમાં જોતરાયું છે.

આદર્શ આચાર સહિંતાના અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારના ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથોસાથ આદર્શ આચારસંહિતાના અમલીકરણ અધિકારીઓએ તેમની કામગીરી શરૂ દીધી છે.

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-2026 જાહેર થતાં જ જિલ્લામાં તા.26 એપ્રિલ 2026ના રોજ મતદાન તથા તા.28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી થશે. તા. 06 એપ્રિલ 2026ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થશે.

તા.11 એપ્રિલ 2026 સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. 13 એપ્રિલ 2026ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી અને તા.15 એપ્રિલ 2026ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. વધુમાં પુન: મતદાન કરવાનું થાય તો તા.27 એપ્રિલ 2026ના રોજ થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 30 વોર્ડમાં કુલ 2,47,6378 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં મતદાન મથકોની સંખ્યા 2609 છે.

જિલ્લાના મતદારોની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે 1199 મતદાન મથકો પર 92,4320 મતદારો નોંધાયા છે.

જયારે કડોદરા નગરપાલિકામાં 7 વોર્ડમાં 20 મતદાન મથકો અને 19334 મતદારો નોંધાયા છે. આજ પ્રમાણે બારડોલી નગરપાલિકામાં 9 વોર્ડમાં 46 મતદાન મથકો અને 41669 મતદારોનો સમાવેશ થાય છે. જયારે માંડવી નગરપાલિકામાં 6 વોર્ડમાં 14 મતદાન મથકો અને 12841 મતદારો અને તરસાડી નગરપાલિકામાં 7 વોર્ડ માટે 21 મતદાન મથકો અને 18૫૫4 મતદારો નોંધાયેલા છે.

સ્થાનિક સ્વરાજયની યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ સુપેરે યોજાઇ તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. લોકશાહીના ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ મતદારો ભાગીદાર બને તે માટે મતદારોમાં જાગૃતિ લાવવા માટે પણ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.