Surat: હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સુરત શહેરમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 એપ્રિલથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા ટ્રાફિક સિગ્નલોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે વાહનચાલકોએ અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે અને તેઓ સતત ગતિશીલ રહી ગરમીથી બચી શકશે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આવતીકાલે બપોરે 1:00 થી 4:00 વાગ્યા દરમિયાન જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલોને બંધ (બ્લિંકિંગ મોડ) રાખવામાં આવશે. આ નિર્ણયથી ટુ-વ્હીલર ચાલકોને અસહ્ય ગરમીમાં સિગ્નલ પર થોભવું નહીં પડે, જેનાથી તેઓ લૂ લાગવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકશે અને તેઓ સતત ગતિશીલ રહી ગરમીથી બચી શકશે.
સિગ્નલો બંધ રાખવાના સમયગાળા દરમિયાન ટ્રાફિકની શિસ્ત જળવાઈ રહે અને અકસ્માત ન સર્જાય તે માટે પ્રત્યેક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો તૈનાત રહેશે. આ જવાનો મેન્યુઅલી ટ્રાફિકનું સુચારુ સંચાલન કરશે જેથી વાહનચાલકોને કોઈ અગવડ ન પડે.
ગરમીની તીવ્રતાને ધ્યાને રાખીને શહેરના ભૌગોલિક રીતે અનુકૂળ એવા મુખ્ય ચાર રસ્તાઓ પર વાહન-ચાલકોને સીધા તડકાથી રક્ષણ મળે તે હેતુથી'આર્ટિફિશિયલ શેડ' (કૃત્રિમ છત) ઉભા કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે ફોર-વ્હીલર ચાલકોને નમ્ર અપીલ કરી છે કે, તેઓ આ શેડ નીચે ટુ-વ્હીલર ચાલકોને ઉભા રહેવા માટે પ્રાથમિકતા આપે જેથી તેમને સીધા તડકાથી રક્ષણ મળી શકે.
સુરત ટ્રાફિક પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય નાગરિકોની સુવિધા અને સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે. સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું. રસ્તો ક્રોસ કરતી વખતે આજુબાજુ ધ્યાન રાખવું અને ટ્રાફિક જામ ન થાય તે રીતે પોલીસ તંત્રને સહકાર આપવો. નાગરિકોની સલામતી અને સ્વાસ્થ્ય એ પોલીસની પ્રાથમિકતા હોવાનું વિભાગે ઉમેર્યું હતું.
ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું કે, ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઇ ગયું છે જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બપોરના આ સમય દરમ્યાન અકસ્માત ન થાય તે તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે, વધુમાં લોકો તડકાથી બચવા માટે મોટા મોટા જંકશન પર શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ફોરવ્હીલ ચાલકોને અપીલ છે કે, ટુ વ્હીલર ચાલકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમ્યાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે.
