Surat News: સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં રાંદેર વિસ્તારમાંથી એક બાઈકમાં લટકાવેલી થેલીમાંથી 2.69 લાખ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. રાંદેર પોલીસે બાઈક માલિકને શોધી રૂપિયા પરત આપ્યા હતા. જો કે પોલીસે પુરતી ખાતરી કરી ન હતી, પરંતુ પોલીસની આ કામગીરીનો વીડિયો વાયરલ થતા મોટો વળાંક આવ્યો છે. હક્કિતમાં જે વ્યક્તિને રૂપિયા પરત કરવામાં આવ્યા હતા તેણે મકાન માલિકના ઘરે ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ ગત 3 ડીસેમ્બરના રોજ રાંદેર રામનગર ચાર રસ્તા પાસેથી એક બિનવારસી હાલતમાં બાઈક મળી હતી બાઈક ઉપર એક કાપડની થેલી હતી જેમાં 2.69 લાખ રોકડા રૂપિયા હતા, રાંદેર પોલીસે બાઈક આધારે તપાસ કરતા બાઈક માલિક કતારગામ આંબાતલાવડી સ્થિત પંચદેવ સોસાયટીમાં રહેતા દક્ષેશ અરવિંદભાઈ પટેલની હોવાનું બહાર આવ્યું હતું. દક્ષેશ હીરાના કારખાનામાં કામ કરે છે.
દક્ષેશએ પોલીસને એવું જણાવ્યું કે તે જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા તેના મિત્રને મળવા ગયો હતો અને પરત આવતો હતો ત્યારે તેની તબિયત બગડી હતી અને તે દવાખાને ગયો હતો ત્યારબાદ બાઈક ક્યાં મૂકી હતી તે યાદ નહી રહેતા ઘરે ચાલી ગયો હતો જેથી રાંદેર પોલીસે દક્ષેશના ઘર જઈ સર્વે કર્યો તો તેનો એક દીકરો વિધાનગરમાં અભ્યાસ કરે છે અને તેની ફી ભરવાના પૈસા હોવાનું માની લીધુ હતું અને પૈસા તેને પરત આપ્યા હતા, પોલીસની આ કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
સોશ્યલ મીડિયા ક્યારેક નુકશાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબીત થયુ હોય છે અને આ કિસ્સામાં બન્યું પણ આવું જ, આ વીડિયો જયારે દક્ષેશના મકાન માલિકના ધ્યાને આવ્યો હતો દક્ષેશએ ત્રણ મહિનાથી ઘરનું ભાડું ચુકવ્યું ન હતું તો આટલા પૈસા તેની પાસે આવ્યા ક્યાંથી તે સવાલ ઉભો થયો હતો. મકાન માલિક આકાશ શીરોયા અને તેની માતાએ ઘરમાં તપાસ કરી તો ઘરમાંથી વતનના મકાનના વેચાણના રોકડા રૂપિયા 3.55 લાખ અને 20 ગ્રામ સોનાના દાગીના મળી કુલ 4.55 લાખની મત્તા ગાયબ હતી.
ઉલ્લેખનીય છે કે દક્ષેશ મકાન માલિકના ઘરમાં આવ-જા કરતો હતો અને મકાન માલિકની માતા તિજોરીની ચાવી ક્યાં મુકે છે તેનાથી તે વાકેફ હતો જેથી આ મામલે મકાન માલિક આકાશ ભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને કતારગામ પોલીસે તપાસ કરતા દક્ષેશએ જ ઘરમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું અને કતારગામ પોલીસે દક્ષેશ અરવિંદભાઈ પટેલની ધરપકડ કરી હતી.
આમ સોશિયલ મીડિયા મકાન માલિક આકાશભાઈ માટે ફાયદાકારક સાબિત થયું હતું, જયારે આરોપી દક્ષેશએ રાંદેર પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી જયારે રાંદેર પોલીસે પણ પુરતી ખાતરી કર્યા વિના તેને રોકડ રકમ આપી દેવાની ગંભીર ભૂલ કરી હતી.
