Surat News: સુરત શહેરમાં ટ્રાફિક નિયમોને લઈને પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શહેરમાં ગત દસ દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 24,847 કેસો કરાયા છે જેમાં સ્થળદંડ તેમજ ઇ-ચલણની કાર્યવાહી કરાઈ છે.
સુરત શહેર વિસ્તારમાં બનતા પ્રાણઘાતક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનનાં સુચારુ સંચાલન માટે શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર(ટ્રાફિક)ના માર્ગદર્શન મુજબ તા.28/11/2025થી તા.07/12/2025 દરમિયાન દસ દિવસમાં શહેરમાં સ્પે. ડ્રાઇવ યોજાઈ હતી.
જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર, ઑવર-સ્પીડીંગ, ટ્રાફિક-સિગ્નલ ભંગ કરતા વાહન-ચાલકો તથા ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ સ્થળદંડ તેમજ ઇ-ચલણના માધ્યમથી કુલ 24,847 કેસો કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક ડીસીપી પન્ના મોમ્યાએ જણાવ્યા પ્રમાણે, 13મી ડિસેમ્બરના રોજ ચલણ ભરવામાં નાગરિકોને સરળતા રહે તે હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં દંડ સરળતાથી ભરી શકાય તે માટે વધારાના ટેબલની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત, ઓનલાઈન ચલણ ભરવાની સુવિધા પણ સહેલાઈથી ઉપલબ્ધ છે. ડીસીપીએ શહેરના તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય અને શહેરમાં સુચારુ તથા સલામત ટ્રાફિક વ્યવસ્થા જાળવી શકાય.
