Surat: દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે શરૂ થયેલી ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડકટ’ (ODOP) યોજના હેઠળ દરેક જિલ્લાના ખાસ ઉત્પાદનના બ્રાન્ડિંગ થકી વિશ્વભરમાં દેશના વિવિધ શહેરોની પ્રોડક્ટને લોકપ્રિય બનાવવા અમલી ODOP યોજના અંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જીતીન પ્રસાદને મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછયો હતો.
શું દેશના તમામ જિલ્લાઓના સંતુલિત અને સર્વાગી વિકાસ માટે કેન્દ્ર સરકાર “એક જિલ્લો- એક ઉત્પાદન” કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે? તેમજ દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી એક પ્રોડક્ટની પસંદગી કરીને તેના બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને પ્રચાર માટે શું કામગીરી કરી રહી છે? આ વિષય મામલે સુરત સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કયા ઉત્પાદનોની પસંદગી થઈ છે અને તેના વિકાસ માટે શું પ્રયાસો થઈ રહ્યા છે તેની વિગતો માંગી હતી.
આ અંગે મંત્રીએ પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ‘ODOP- વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” પહેલ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના ઉદ્યોગસંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેશના દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછું એક વિશિષ્ટ ઉત્પાદન ઓળખી તેનો સામાજિક અને આર્થિક વિકાસ સાધવાનો છે, જે અંતર્ગત હાલ સુધી દેશમાં કુલ ૭૭૩ જિલ્લાઓમાંથી 1200 થી વધુ ઉત્પાદનોની ઓળખ અને પસંદગી કરવામાં આવી છે.
ODOP યોજનામાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી કુલ 90 ઉત્પાદનોની પસંદગી કરાઈ છે, જેમાંથી 31 જેટલા ઉત્પાદનો કુટિર ઉદ્યોગ સાથે સંબંધિત છે. જેમાં સુરત જિલ્લામાંથી 3 ઉત્પાદનો; 1) જેમ્સ એન્ડ જવેલરી (ઇન્ડસ્ટ્રીઝ), 2) જરી-જરદોશી (કુટિર ઉદ્યોગ) અને 3) સાડેલી વર્ક (કુટિર ઉદ્યોગ) પસંદ કરવામાં આવ્યા છે. ડાંગની નાગલી અને તેની વાનગીઓ પણ ODOP- વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટમાં સામેલ છે.
