Surat: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે કામરેજમાં પદયાત્રા યોજાઈ, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કરાવ્યું પ્રસ્થાન

જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલક પાટીયા, લસકાણાથી ડાયમંડ નગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 16 Nov 2025 04:48 PM (IST)Updated: Sun 16 Nov 2025 04:48 PM (IST)
walk-in-kamrej-marked-sardar-patels-150th-birth-anniversary-flagged-off-by-health-minister-pansheriya-639222
HIGHLIGHTS
  • સરદાર એટલે સમરસતા, પ્રમાણિકતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ, સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરૂષ હતા: પ્રફુલભાઈ પાનશેરીયા
  • આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એકસૂત્રમાં પરોવેલા તમામ રજવાડાઓનો રાષ્ટ્રીય એકતાનો વારસો છે: દક્ષેશ માવાણી

Surat News: દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારની 'સરદાર @ 150 યુનિટી માર્ચ' પદયાત્રાને આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલક પાટીયા, લસકાણાથી ડાયમંડ નગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જનજન સુધી પહોંચાડવાના માટે સમગ્ર રાજયમાં પદયાત્રા યોજાઈ રહી છે. અનેક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતાનગર- કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે. સરદાર એટલે સમરસતા, પ્રમાણિકતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ, સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરૂષ હતા.

મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે. જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનો છે. આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એકસૂત્રમાં પરોવેલા તમામ રજવાડાઓનો રાષ્ટ્રીય એકતાનો વારસો છે. સરદારની દૂરંદેશી અને અથાગ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે ત્યારે સરદાર સાહેબના યોગદાનને પ્રત્યેક ભારતવાસી પ્રેરણા લે, તેમના આદર્શ સિદ્ધાંતો અને સદ્દગુણોને જનજન સુધી પહોંચાડવા માટે સૌને અનુરોધ કર્યો હતો.

પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા. આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ, કોર્પોરેટર સર્વ વિપુલ મોવલીયા, ઋુતાબેન, સ્વાતિબેન, દર્શિનીબેન કોઠીયા, પ્રાંત અધિકારી વી.કે.પીપળીયા, મામલતદાર, અગ્રણી ગૌરવભાઈ, શૈલેષ ઈટાલીયા, પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.