મોરબી-સુરેન્દ્રનગરમાં મેઘરાજાની મૂશળધાર બેટિંગઃ વઢવાણ GIDC જળમગ્ન, વાંકાનેરમાં કોઝવેમાં રિક્ષા સાથે પિતા-પુત્ર તણાયા

ગુજરાતમાં બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ નબળી પડવા છતાં 250થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબીના વાંકાનેરમાં કોઝવેમાં પિતા-પુત્ર તણાયા, જ્યારે સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં વઢવાણ GIDC જળમગ્ન થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 11:39 PM (IST)Updated: Sat, 01 Aug 2026 11:39 PM (IST)
heavy-rainfall-in-morbi-and-surendranagar-districts-check-talukawise-gujarat-rain-report


Gujarat Rain Report: ગુજરાત ઉપર સક્રિય બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ભલે નબળી પડી હોય, પરંતુ આમ છતાં આજે પણ રાજ્યના 250થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. જેના પરિણામે બન્ને જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


સાર્વત્રિક વરસાદથી મોરબી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે. જેમાં મોરબી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 223 મી.મી (8.78 ઈંચ) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બપોરે 2:00 થી 4:00 વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં જ અહીં 77 મી.મી વરસાદ ખાબક્યો હતો.

જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, ટંકારામાં 194 મી.મી (7.64 ઈંચ), હળવદમાં 163 મી.મી (6.42 ઈંચ), માળિયામાં 122 મી.મી (4.80 ઈંચ) અને વાંકાનેરમાં 115 મી.મી (4.53 ઈંચ) વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.


કોઝ-વેમાં તણાયેલા પિતાનો મૃતદેહ મળ્યો, પુત્ર હજુ પણ લાપત્તા

સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લાના નદી-નાળા છલકાઈ ગયા છે, ત્યારે વાંકાનેરમાં કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં અહીંના કોટડા નાયણી ગામ નજીક રિક્ષામાં પોતાના સાત વર્ષના પુત્ર સાથે જઈ રહેલા સિરાજભાઈ કાતિયાર (40) કોઝ વે પરથી પસાર થતી વખતે રિક્ષા સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. પાણીનો પ્રવાહ વધારે હોવાથી પિતા-પુત્ર રિક્ષા સાથે તણાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ભારે જહેમત બાદ સિરાજભાઈનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. જો કે હજુ પણ પુત્ર પાણીમાં લાપત્તા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘમહેરઃ ધોળીધજા ડેમમાંથી પાણી છોડાતા ભોગાવો નદી બે કાંઠે

મોરબીની માફક સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાએ સવારથી જ આક્રમક તેવર બતાવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં કુલ 176 મી.મી (6.93 ઈંચ) વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રામાં સવારે 10:00 થી 12:00 ના બે કલાકમાં જ 112 મી.મી વરસાદ પડી જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. વઢવાણ તાલુકામાં પણ 157 મી.મી (6.18 ઈંચ) અને લખતર તાલુકામાં 114 મી.મી (4.49 ઈંચ) વરસાદ નોંધાયો છે. લખતરમાં સવારે 8:00 થી 10:00 ના ગાળામાં 90 મી.મી જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, મૂળીમાં 93 મી.મી (3.66 ઈંચ), ચુડામાં 93 મી.મી (3.66 ઈંચ), થાનગઢમાં 87 મી.મી (3.43 ઈંચ), ચોટીલામાં 80 મી.મી (3.15 ઈંચ), સાયલામાં 58 મી.મી (2.28 ઈંચ), દસાડામાં 46 મી.મી (1.81 ઈંચ) તેમજ લીંબડીમાં 31 મી.મી (1.22 ઈંચ) વરસાદ વરસ્યો છે.

જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને વઢવાણમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જેથી ધોળીધજા ડેમમાંથી પાણી છોડાતા ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ ઉપરાંત વઢવાણ GIDC વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. આ સિવાય વિરાટનગર, ચંદ્રનગર અને સંતોષપાર્ક સહિતની રહેણાંક સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા હતા.



આજે રાજ્યના 119 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 59 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ

સુરેન્દ્રનગર અને મોરબી સહિત આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 254 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી 119 તાલુકામાં 1 ઈંચથી વધુ, 59 તાલુકામાં 2 ઈંચથી વધુ, 25 તાલુકામાં 3 ઈંચથી વધુ 10 તાલુકામાં 4 ઈંચથી વધુ તેમજ 5 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.