Surendranagar Rain News: નાયકા ડેમ આખો ભરાયો અને વાંસલ ડેમ ઓવરફ્લો, લોકોને સાવચેત કરાયા

Nayka Dam and Vansal Dam Update: સુરન્દ્રનગરમાં છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ પડ્યો છે. જેના પગલે તંત્ર પણ કામે લાગી ગયું છે. સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, મુળી તાલુકાનો નાયકા ડેમ 100 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Sat, 01 Aug 2026 11:03 AM (IST)Updated: Sat, 01 Aug 2026 12:38 PM (IST)
nayka-dam-filled-to-the-brim-and-vansal-dam-overflowed-warning-issued-to-people-in-low-lying-areas

Nayka Dam and Vansal Dam Update: સુરન્દ્રનગરના હવામાનમાં (surendranagar weather today) છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. બે દિવસથી સારો એવો વરસાદ પડ્યો છે. જેના પગલે તંત્ર પણ કામે લાગી ગયું છે. સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, મુળી તાલુકાનો નાયકા ડેમ 100 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જે અંતર્ગત ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપરના ગ્રામજનોને નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ પોતાની માલ-મિલકત અને ઢોર-ઢાંખરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ઓવરફ્લો: નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોખરવાળા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે પાણીની આવક સતત વધવાને કારણે વાંસલ ડેમ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાના પરિણામે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ચુડા અને ગોખરવાળા ગામોના સ્થાનિક નાગરિકો, ગ્રામજનો તથા પશુપાલકોને નદીના પટમાં કે આસપાસના વિસ્તારોમાં અવર-જવર ન કરવા તેમજ નદી ઓળંગવાનો કોઈ પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, નદીકંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતીના પગલે પોતાની માલમિલકત, ઢોર-ઢાંખર અને પશુધનને તાત્કાલિક અસરથી સલામત તથા ઊંચાણવાળા સ્થળોએ ખસેડી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે ગ્રામજનોને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સહકાર આપવા જણાવાયું છે.

આજનો સવારના 4 કલાકનો વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ 01 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના લખતર તાલુકામાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેની પાછળ વઢવાણ તાલુકામાં પણ ધોધમાર 4.02 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેવી જ રીતે ચુડા તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 3.66 ઇંચ વરસાદ નોંધાવ્યો છે. મૂળી તાલુકામાં પણ નોંધપાત્ર 2.91 ઇંચ વરસાદ પડ્યો છે.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની ગતિ યથાવત રહી હતી, જેમાં થાનગઢમાં 1.77 ઇંચ, સાયલામાં 1.73 ઇંચ અને દસાડા તાલુકામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.42 ઇંચ અને લીંબડી તાલુકામાં 1.22 ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આમ, માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી આ ભારે મેઘમહેરને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નદી-નાળામાં નવા નીર આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

નાયકા ડેમમાં પાણીની ભારે આવક: 10 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં ૨૨,૬૬૬ ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેમાંથી હાલ 20 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.