UpdatedIST

Surendranagar: પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ ઘડ્યું; સગાઇમાં માત્ર 25 લોકો, લગ્નમાં DJ વગાડવા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ  

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 09 Feb 2026 11:02 AM (IST)Updated: Mon 09 Feb 2026 11:02 AM (IST)
patdi-dasada-kshatriya-thakor-samaj-bandharan-at-dasada-surendranagar-688633
HIGHLIGHTS
  • દસાડામાં વેલનાથ બાપાની જગ્યા ખાતે બંધારણ ઘડાયું
  • પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું
  • લગ્ન પ્રસંગમાં DJ વગાડવા-દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ

Patdi-Dasada Kshatriya Thakor samaj: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વેલનાથ બાપાની જગ્યા ખાતે યોજાયેલી આ સભામાં ઉપસ્થિત રહેલા સમાજના અગ્રણીઓ, મહિલા-પુરુષો અને યુવાનોની હાજરીમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું.

પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન

દસાડા તાલુકા સ્થિત વેલનાથ બાપાની જગ્યા ખાતે પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પાટડી, દસાડા, શંખેશ્વર, માંડલ અને બેચરાજી સહિતના વિસ્તારોમાંથી સમાજના અગ્રણીઓ, મહિલા-પુરુષો અને યુવાનો ઉમટી પડ્યા હતા. આ તકે ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું. ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સમાજનું બંધારણ ઘડ્યું, ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર થશે

વેલનાથ બાપાની જગ્યા ખાતે યોજાયેલા આ સંમેલનમાં સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું, જેમાં લગ્ન પ્રસંગોમાં મર્યાદિત ખર્ચ, સાદગી અને સમાજના નક્કી કરેલ નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં, કોઈપણ સમાજની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર કરવા અને દીકરા-દીકરીના 100 % શિક્ષણ પર ભાર મૂક્યો હતો.

“દાગીના ગીરવે મૂકી, જમીન વેચીને કે વ્યાજે રૂપિયા લાવી લગ્નમાં ખોટા દેખાડા કરવાનું હવે બંધ કરવું પડશે. દેખાદેખીમાંથી બહાર આવી સમાજ સાદગી અપનાવે તે જરૂરી છે." -- અલ્પેશ ઠાકોર

મ્યુઝિક વગાડવા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ  

સામાજિક બંધારણ અનુસાર લગ્ન પ્રસંગે મ્યુઝિક વગાડવા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. લગ્પ્રસંગે કરિયાવરમાં કોઈપણ અન્ય વ્યવહાર કરવાને બદલે રોકડ રૂ. 1.11 લાખ આપવા નિર્ણય કર્યો છે. લગ્ન, સગાઈ, કંકોત્રી, લગ્ન મુહૂર્ત, જાન, મામેરા, જમણવાર સહિતના પ્રસંગોમાં થતી ફાજલ ખર્ચાળ દેખાદેખી પર પ્રતિબંધના નિયમ નક્કી કર્યા.

સગાઈ અને જન્મદિવસની ઉજવણી અંગેના નિયમ

સગાઈમાં માત્ર 25 લોકોને જવા અને વર પક્ષ દ્વારા કન્યાને મોબાઈલ કે મોંઘા દાગીના ન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જન્મદિવસની ભવ્ય ઉજવણી બંધ કરી સાદગીથી ઉજવવા અને તેનું શિક્ષણ કાર્યમાં દાન આપવા જણાવ્યું.

હોસ્પિટલ કે જાત્રાના ‘બોલામણાં' રૂબરૂ જઈને ખોટા ખર્ચ કરવાની જગ્યાએ ટેલિફોનિક કરવા કહ્યું. મરણ કે બેસણાના ભોજનમાં માત્ર ખીચડી-કઢી જ કરી શકાશે, અન્ય કોઈ જમણવાર નહીં. મરણ પાછળ દીકરી-જમાઈ કે ભાણેજ દ્વારા લાવવામાં આવતા 'ઓઢામણા' બંધ કરી 'ટેલિફોનિક બેસણું' રાખવું.  

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી  

આ ઉપરાંત મરણ પ્રસંગો, છૂટાછેડા તથા અન્ય સામાજિક પ્રસંગોમાં પણ સમાજની સમિતિ દ્વારા નક્કી કરેલા નિયમો લાગુ પડશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ સંમેલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજની ઉન્નતિ અને એકતાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.