Tarnetar Fair 2026: તરણેતરના લોકમેળામાં 14 થી 17 સપ્ટેમ્બર પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે, રૂ. 1 લાખ સુધીના ઈનામો જીતવાની ગોલ્ડન તક

જાતવાન ગાય-ભેંસના પશુપાલકોને આકર્ષક રોકડ ઇનામો, દૈનિક નિભાવ ખર્ચ અને પરિવહન ભથ્થું અપાશે. હરીફાઈમાં ભાગ લેવા ઈચ્છુક પશુપાલકોએ આગામી 10 દિવસમાં લગત તાલુકા પશુ દવાખાનાનો સંપર્ક કરવા અનુરોધ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 07:20 PM (IST)Updated: Sun, 02 Aug 2026 07:20 PM (IST)
surendranagar-news-animal-show-offers-rs-1-lakh-prize-at-tarnetar-fair-2026
HIGHLIGHTS
  • પશુપાલન ખાતા દ્વારા આયોજિત મેળામાં ગીર, કાંકરેજ ગાયો અને જાફરાબાદી, બન્ની ભેંસો ભાગ લેશે

Tarnetar Fair 2026: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરની ધરોહર ધરાવતા તરણેતર મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ભાદરવા સુદ ત્રીજ થી છઠ્ઠ એટલે કે તારીખ 14 થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન ઐતિહાસિક લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.

આ મેળામાં પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પશુપાલન શાખા દ્વારા સંયુક્ત રીતે તારીખ 14, 15 અને 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુજરાતના સૌથી મોટા 'તરણેતર પશુમેળા' અને વિવિધ પશુ હરીફાઈઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


આ પશુ પ્રદર્શન અને હરીફાઈમાં ગીર અને કાંકરેજ ગાય વર્ગ તેમજ જાફરાબાદી અને બન્ની ભેંસ વર્ગના ઉત્કૃષ્ટ લક્ષણો ધરાવતા જાતવાન પશુઓ ભાગ લઈ શકશે. પશુચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાના આધારે પશુઓની પસંદગી કરી તેમને હરીફાઈમાં મોકલવામાં આવશે, જ્યાં નિષ્ણાતોની ટીમ દ્વારા કેટેગરી વાઈઝ મૂલ્યાંકન કરીને વિજેતાઓને આકર્ષક ઇનામો એનાયત કરાશે.

હરીફાઈમાં 'ચેમ્પિયન ઓફ ધ શો' વિજેતાને રૂ. 1,00,000/-, વિવિધ વર્ગમાં પ્રથમ ક્રમે આવનારને રૂ. 50,000/- અને દ્વિતિય ક્રમે આવનારને રૂ. 40000/- નું રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ પશુઓને રૂ. 4,000/- નું આશ્વાસન ઇનામ તથા દૈનિક નિભાવ ખર્ચ તરીકે પશુદિઠ રૂ. 1,000/- આપવામાં આવશે.


પશુપાલકોને દૈનિક નિભાવ ખર્ચ અને પરિવહન ભથ્થું અપાશે

પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે પશુ પરિવહન ખર્ચ પેટે પશુદિઠ વિશેષ ભથ્થું પણ ચૂકવવામાં આવશે, જેમાં થાનગઢ, ચોટીલા, મૂળી, વાંકાનેર અને હળવદ તાલુકા માટે રૂ. 1,400/-, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓ માટે રૂ. 4,000/- તથા બાકીના અન્ય જિલ્લાઓમાંથી આવતા પશુઓ માટે રૂ. 8,000/- નો પરિવહન ખર્ચ આપવામાં આવશે. 

જાતવાન પશુઓના ઉછેરને પ્રોત્સાહન આપવા અને પશુપાલકોને એક ઉત્તમ મંચ પૂરો પાડવાના હેતુથી યોજાનાર આ હરીફાઈમાં ભાગ લેવા ઈચ્છતા પશુપાલકોએ આગામી ૧૦ દિવસની અંદર પોતાના લગત તાલુકાના તાલુકા પશુ દવાખાનાનો સંપર્ક સાધવા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.