Surendranagar: લખતર-વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે 10 પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક ટ્રકે 10 પદયાત્રીઓને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Mon 13 Apr 2026 08:48 AM (IST)Updated: Mon 13 Apr 2026 10:50 AM (IST)
surendranagar-news-lakhtar-highway-accident-truck-padyatri-7-dead-727072

Surendranagar Accident: ગુજરાતના હાઈવે રક્તરંજિત બન્યા હોય તેમ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર કમકમાટી ભરી ઘટના બની છે. બેફામ ગતિએ આવતા એક ટ્રકે 10 પદયાત્રીઓને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

ઘટનાની વિગત

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટનાનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓનો સંઘ રાજકોટના ગઢકા ગામે આવેલા તેમના કુળદેવીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. લખતરના ભાસ્કરપરા પાસે પહોંચતા જ પાછળથી આવતા એક બેકાબૂ ટ્રકે સંઘને અડફેટે લીધો હતો.

દુર્ઘટનામાં 7ના મોત

અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરુષો સહિત કુલ 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે, ટ્રકની ટક્કરથી પદયાત્રીઓના મૃતદેહો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

ટ્રક ચાલકની બેદરકારી સામે રોષ

પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેફામ ગતિ અને બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ સામે આવી રહ્યું છે. પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એકસાથે પરિવારના 7 સભ્યોના મોતને પગલે ભરવાડ સમાજ અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગઢકા ગામના સરપંચે માહિતી આપી

લખતર વિરમગામ હાઈવે પર ગત મોડી રાત્રે કાળમુળ ટ્રકે સાત લોકોના મૃત્યુ થયા છે ,જેમાં રાજકોટના ખારચિયા ગામના 3 લોકો, સતર મીતાણા ગામના 2 લોકો રાજકોટનો 1 અને એક ડ્રાઇવર સહિત ટોટલ 7 લોકોના મૃત્યુ થયા છે, તેમ ગઢકા ગામના સરપંચે વિગતો આપી હતી