Surendranagar News: રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ ઉપયોગી બનાવવા સતત કાર્યરત છે. આ વિકાસયાત્રાના ભાગરૂપે, તાજેતરમાં જિલ્લાના ખારવા, ગોમટા અને બલદાણા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર એક નવા માઈનોર બ્રિજ (નાના પુલ)ના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારની કનેક્ટિવિટી સુધારવાનો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે.
આ નવા બ્રિજના નિર્માણથી ખારવા, ગોમટા, બલદાણા અને તેની આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. ખાસ કરીને ખેડૂતોને ખેતપેદાશોના પરિવહનમાં, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં અને વેપારીઓને માલસામાનની હેરફેર કરવામાં મોટી રાહત મળશે. હવે આ બ્રિજ બનવાથી બારેમાસ નિર્વિઘ્ન પરિવહન શક્ય બનશે. જેના પરિણામે સ્થાનિક લોકોના કિંમતી સમય અને ઈંધણ બંનેની બચત થશે, અને આ બ્રિજ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ બ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં સાઈટ પર આધુનિક મશીનરી દ્વારા પાયાનું ખોદકામ અને અન્ય પ્રાથમિક પ્રક્રિયાઓ તેજ ગતિએ ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કામગીરીની ગુણવત્તા અને ઝડપ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકારના આ ત્વરિત પગલાંથી સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે અને તેઓને વિશ્વાસ છે કે આ વિકાસકાર્ય પૂર્ણ થતાં જ આખા વિસ્તારના વિકાસને એક નવી ગતિ મળશે.
