Surendranagar News: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય છતાં, બેવડી ઋતુના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બદલાતા વાતાવરણને લીધે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર અસર થઈ છે, જેના પરિણામે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, માત્ર ઓક્ટોબર મહિનામાં જ જિલ્લામાં વાઇરલ ઇન્ફેક્શનના 2,634 કેસ નોંધાયા છે.
વાઇરલ કેસ ઉપરાંત અન્ય રોગોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર માસમાં નોંધાયેલા કેસમાં ડેન્ગ્યુના 11 કેસ, મેલેરિયાના 8 કેસ, અને ઝેરી મેલેરિયાનો 1 કેસ, ઝાડા-ઉલટીના 419 કેસ, ટાઇફોડના 3 કેસ, અને કમળાના 9 કેસ છે. વધતા રોગચાળા પાછળ દૂષિત પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને મચ્છરોનો વધતો ઉપદ્રવ મુખ્ય કારણો છે.
આરોગ્ય તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી
જિલ્લા આરોગ્ય તંત્ર રોગચાળાને નિયંત્રિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલની ટીમે સંક્રમણની ચેઇન તોડવા માટે સમગ્ર જિલ્લામાં 'હાઉસ ટુ હાઉસ સર્વે' શરૂ કર્યો છે. આ કામગીરીમાં 1,100 આશા વર્કરો અને 400થી વધુ મેડિકલ ટીમો મળીને કુલ 1,500થી વધુ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. આ ટીમો ઘરે-ઘરે જઈને કેસો શોધી રહી છે, તાત્કાલિક સારવાર આપી રહી છે અને સાથે સાથે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી રહી છે.
