Who Is Raju Karpada: રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આજે ભલે તેઓ એક જાણીતા નેતા હોય, પરંતુ તેમનો પાયો ગ્રામીણ સંઘર્ષમાં રહેલો છે.
સંઘર્ષમય પારિવારિક પૃષ્ઠભૂમિ અને કારકિર્દીની શરૂઆત
રાજુ કરપડાના પરિવારમાં જાહેર સેવાનો વારસો રહ્યો છે. તેમના મોટા બાપુ (પિતાના મોટા ભાઈ) ગામના સરપંચ રહી ચૂક્યા છે. જોકે, તેમના જીવનમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ વિદ્યાર્થી અવસ્થામાં હતા અને તેમના પિતા મેરામભાઈ કરપડા પર પોલીસ દમન થયું હતું. પોલીસ દ્વારા તેમના પિતાને જાહેરમાં માર મારવાની ઘટનાએ કદાચ રાજુ કરપડામાં અન્યાય સામે લડવાની ભાવના જગાડી હતી. ધોરણ 12 પછી અભ્યાસની સાથે જ તેમણે દૂધ ડેરીના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. 2011-12ના સમયગાળામાં કોલેજકાળ દરમિયાન તેઓ દૂધના વ્યવસાય સાથે જોડાયેલા રહ્યા, પરંતુ તેમનું લક્ષ્ય કંઈક મોટું કરવાનું હતું.

ખેડૂત નેતા તરીકેનો ઉદય
રાજુ કરપડા સૌપ્રથમ ત્યારે લાઈમલાઈટમાં આવ્યા જ્યારે તેમણે એક ખેડૂત તરીકે હિંમત બતાવી પાક વીમા કંપની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરી. આ તેમની ન્યાયિક લડાઈની શરૂઆત હતી. 2018 બાદ તેઓ જાણીતા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થા ‘ગુજરાત ખેડૂત સંગઠન’માં જોડાયા અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ બન્યા.
તેમની લડતની મુખ્ય સફળતાઓ:
- પાક વીમાની લડાઈ: મૂળી અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતોના દસ્તાવેજો એકત્ર કરી તેમણે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. વીમા કંપનીએ જે ખેડૂતોને માત્ર 1,000 રૂપિયા આપ્યા હતા, તેમને હાઈકોર્ટના આદેશ બાદ 8 ટકા વ્યાજ સાથે પૂરી રકમ મળી હતી.
- જમીન માપણી: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન માપણીના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યા હતા.
- આક્રમક નેતૃત્વ: બોટાદમાં ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરવા બદલ તેઓ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે.
- મુખ્ય આંદોલનો: બોટાદમાં 'કડદા પ્રથા' નાબૂદી અને ખેડૂતોના હક્ક માટે લડત, જેમાં તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.
રાજકીય સફર અને ‘આપ’ સાથેના છેડા
વર્ષ 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પક્ષે તેમને કિસાન પાંખના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ દ્વારા તેમને ચોટીલા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા. આ ચૂંટણીમાં તેમણે 45,937 મત મેળવીને બીજા સ્થાને રહીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી.

જોકે, તાજેતરમાં તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જાણકારોનું માનવું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની આક્રમકતામાં ઘટાડો થયો હતો અને પક્ષના આંતરિક માળખામાં તેમની અવગણના થતી હોવાની ચર્ચાઓ હતી. ખેડૂત નેતા પાલ આંબલિયાના મતે, શરૂઆતમાં રાજુ કરપડા ખૂબ જ સરળ અને જિજ્ઞાસુ હતા, પરંતુ સમય જતાં તેમની શૈલી અને ભાષામાં પણ બદલાવ આવ્યો હતો.
ભવિષ્યની અટકળો
રાજુ કરપડાની લોકપ્રિયતા કોઈ એક જ્ઞાતિ પૂરતી સીમિત નથી, તેઓ સર્વસમાજના ખેડૂત નેતા તરીકે સ્વીકાર્ય છે. તેમના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ખેડૂતોમાં પેઠ જમાવવામાં મુશ્કેલી પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજુ કરપડા કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાય છે કે પછી બિન-રાજકીય રીતે ખેડૂતોની લડત આગળ ધપાવે છે.
