Tapi: લાકડા ચોરોનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, ગાડી આગળ ઉભેલા કન્ટેનરમાં ધડાકાભેર ઘુસી જતાં RFO સહિત 2ના મોત

તાપીના સોનગઢમાં લાકડા ચોરોનો પીછો કરી રહેલી વન વિભાગની કારનો ગમખ્વાર અકસ્માત થયો. આ દુર્ઘટનામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ અને એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 20 Jul 2026 04:58 PM (IST)Updated: Mon, 20 Jul 2026 04:58 PM (IST)
tapi-news-rfo-dies-in-accident-chasing-wood-smugglers-near-songadh

Tapi: તાપી જિલ્લાના સોનગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લાકડા ચોરી કરીને ભાગી રહેલી એક ગાડીનો પીછો કરી રહેલી વન વિભાગની ટીમની કાર આગળ ઉભેલા કન્ટેનરમાં ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં રેન્જ ફૉરેસ્ટ ઑફિસર અને તેમની સાથે રહેલા એક યુવકનું મોત નીપજ્યું છે.  


હકીકતમાં વન વિભાગને બાતમી મળી હતી કે, તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાની ચોરી કરી હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે ફરજ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સર્તક સહિતની વન વિભાગની ટીમે 4 થી 5 વાગ્યાના સુમારે ઉકાઈ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ગાડીને રોકવા માટે પ્રયાસ કર્યો હતો.

જો કે તે ગાડી ચાલકે વન વિભાગને જોતા જ પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી હતી. વન વિભાગના RFO વિકાસ દેસાઈ અને તેમની ટીમે સમયસૂચકતા વાપરીને આ લાકડા ચોરોની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

આ દરમ્યાન સોનગઢ આરટીઓ પાસે લાકડા ભરેલી શંકાસ્પદ ગાડી ત્યાં ઊભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. તેમજ RFOની ગાડી પણ ધડાકાભેર અથડાઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં ગાડીઓમાં સવાર RFO વિકાસ દેસાઈ સરજાલી ગામના રહીશ રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માતગ્રસ્ત શંકાસ્પદ વાહનમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. એક નિષ્ઠાવાન RFO અધિકારીના નિધનથી વન વિભાગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બીજી તરફ પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને કાયદેસરની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.