Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને પગલે વડોદરા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન તેઓ ધાર્મિક અને રાજકીય એમ બંને કાર્યક્રમોમાં સહભાગી થશે.
વડોદરામાં 'શિવજી કી સવારી' અને સુરક્ષા વ્યવસ્થા
મહાશિવરાત્રીના દિવસે વડોદરાના રાજમાર્ગો પરથી નીકળનારી શિવજીની શોભાયાત્રા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
અમિત શાહનો વડોદરા મુલાકાતનો કાર્યક્રમ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં 50 મિનિટનું રોકાણ કરશે.
- તેઓ સાંજે 6.30 કલાકે એરપોર્ટ પર આવી સીધા સુરસાગર તળાવ પહોંચશે.
- ત્યાં તેઓ ‘શિવજી કી સવારી’નું સ્વાગત કરશે અને ભવ્ય મહાઆરતીમાં જોડાશે.
- મહાઆરતી બાદ તેઓ હાજર શ્રદ્ધાળુઓને સંબોધન કરશે અને ત્યારબાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
શિવજીની શાહી સવારીનો રુટ
- રૂટ અને સમય: શિવજી કી સવારી બપોરે 1:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 10:00 વાગ્યા સુધી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરશે.
- ટ્રાફિક જાહેરનામું: આ શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરના 19 સ્થળોએ નો-પાર્કિંગ અને 34 જેટલા રસ્તાઓ પર વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
- સુરક્ષા અને સુવિધા: સુરસાગર તળાવ ખાતે યોજાનારી મહાઆરતી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડની 6 બોટ તળાવમાં સતત તૈનાત રહેશે. આ ઉપરાંત, રૂટ પર આવતી હેરિટેજ ઇમારતો પર વિશેષ લાઇટિંગ કરવામાં આવશે.
વહીવટી તંત્રનું નિરીક્ષણ
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લઈ સાફ-સફાઈ, લાઇટિંગ અને રૂટ પરના દબાણો હટાવવા અંગે સમીક્ષા કરી હતી. સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણીઓ અને ધારાસભ્યો પણ આ આયોજનમાં માર્ગદર્શન આપી રહ્યા છે.
ગાંધીનગરમાં રાષ્ટ્રીય સહકાર મંત્રી પરિષદ
વડોદરાના ધાર્મિક કાર્યક્રમ બાદ, અમિત શાહ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી 'સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદ' માં અધ્યક્ષતા કરશે.
- પરિષદનો હેતુ: આ બીજી પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. આ અગાઉ જૂન 2025માં દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ પરિષદના નિર્ણયોની અમલવારીની સમીક્ષા કરવામાં આવશે.
- ચર્ચાના મુદ્દા: સહકારી ક્ષેત્રમાં આવતા પડકારો, રાજ્યોની સિદ્ધિઓ અને ભવિષ્યની વ્યૂહરચનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દેશભરમાં સહકારી આંદોલનને નવી દિશા અને શક્તિ આપવાનો છે.
ગાંધીનગરની આ બે દિવસીય પરિષદ સહકાર ક્ષેત્ર માટે માઈલસ્ટોન સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર પાઠવી આ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નોંધાવવા આમંત્રણ આપ્યું છે.
