Vadodara News: વડોદરા તાલુકામાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પાંચ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખી ગંભીર માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ઠગોએ રૂ. 16 લાખની માંગણી કરી હતી, પરંતુ બેંક મેનેજર અને તાલુકા પોલીસની સમયસર કાર્યવાહીથી મોટી રકમ ટ્રાન્સફર થતી અટકાવી દેવાઈ હતી.
ઘટના ત્યારે બહાર આવી જ્યારે IndusInd Bankની ભાયલી બ્રાંચના મેનેજરે તાલુકા પોલીસને જાણ કરી કે એક સિનિયર સિટીઝને રૂ. 20 લાખની એફડી તોડાવી અજાણ્યા ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા આગ્રહ રાખ્યો છે. તેઓ ગભરાયેલી હાલતમાં હતા અને સતત વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. શંકા જતા મેનેજરે તરત જ પોલીસને જાણ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે 16 ફેબ્રુઆરીએ ‘TRAI, દિલ્હી’ના નામે રામ મિશ્રા નામના વ્યક્તિએ ફોન કરી તેમના સિમ કાર્ડના ખોટા ઉપયોગની વાત કરી અને કેસ Mumbai Crime Branchને સોંપાયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં સંદીપ રાવ નામે વ્યક્તિએ વીડિયો કોલ કરી જણાવ્યું કે Jet Airwaysના CEO Naresh Goyal સામે રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમના ATM કાર્ડનો ઉપયોગ થયો છે અને ખાતામાં રૂ. 20 લાખ કમિશન આવ્યા છે.
ઠગોએ બનાવટી દસ્તાવેજો મોકલી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખ્યા અને સુપ્રીમ કોર્ટના નામે ધમકીઓ આપી રૂ. 16 લાખ RTGS દ્વારા ગુડગાંવની બેંકમાં મોકલવા દબાણ કર્યું. જોકે, તાલુકા પોલીસ સમયસર બેંક પહોંચી ટ્રાન્ઝેક્શન અટકાવી સિનિયર સિટીઝનને આર્થિક નુકસાનથી બચાવ્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી સાયબર ગુનેગારો સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.
