Vadodara Crime News: વડોદરા શહેરના પોશ ગણાતા ગોત્રી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોત્રી સ્મશાન ગૃહની બહાર મૂકવામાં આવેલી કચરાપેટીમાંથી સળગેલી હાલતમાં શંકાસ્પદ કંકાલના અવશેષો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
કચરાપેટીમાં મળ્યા સળગતા અવશેષો
પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે સ્મશાન પાસેથી પસાર થતા રાહદારીઓની નજર કચરાપેટીમાં સળગી રહેલા કોઈ અવશેષો પર પડી હતી. આ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આ ગંભીર ઘટનાની જાણ તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર કરવામાં આવી હતી.
પોલીસની ગંભીર લાપરવાહીના આક્ષેપ
આટલી સંવેદનશીલ ઘટના હોવા છતાં પોલીસની ઉદાસીનતા સામે આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલીસને જાણ કર્યાના 1 કલાક સુધી કોઈ જ જવાન ઘટનાસ્થળે પહોંચ્યો ન હતો. પોલીસના આ વલણને કારણે સ્થળ પર હાજર લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. લાંબી પ્રતિક્ષા બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી.
માનવ અવશેષો કે પશુના? રહસ્ય અકબંધ
હાલ સૌથી મોટો સવાલ એ છે કે આ અવશેષો કોના છે. શું તે કોઈ મનુષ્યના શરીરના અંગો છે કે પછી કોઈ પ્રાણીના, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ રહસ્ય પરથી પડદો FSL અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ ઊંચકાશે. હાલમાં ગોત્રી પોલીસ અજાણ્યા શખ્સો સામે તપાસ હાથ ધરી અને સ્મશાનની આસપાસના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે.
