Boat capsize in Padra: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. પાદરા-મુજપુર વિસ્તારમાં આવેલી મહીસાગર નદીમાં મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ હતી. નાવડીમાં સવાર લોકો અચાનક પાણીમાં પડી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
મહીસાગર નદીમાં નાવડી પલટી
તાજેતરમાં ગંભીરા બ્રિજ તૂટી જવાથી હવે મહીસાગર નદી પાર કરવા માટે લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે. આજે પાદરા-મુજપુર વિસ્તારમાં આવેલી નદીમાં મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ નાવડીમાં આશરે આઠથી વધુ લોકો સવાર હતા. તેઓ પાદરાથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા.
પાણીની ઊંડાઈ ઓછી હોવાથી જાનહાની ટળી
નાવડી પલ્ટી મારતા જ તેમાં બેઠેલા તમામ લોકો નદીના પાણીમાં પડી ગયા હતા. સદનસીબે નાવડી કિનારા પાસે પલટી હોવાથી અને પાણીની ઊંડાઈ ઓછી હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.
તરવૈયાઓએ લોકોને બહાર કાઢ્યા
તરવૈયાઓએ ઝડપી કાર્યવાહી કરીને પાણીમાં પડેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કેટલાક લોકોને હળવી ઇજાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નાવડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાની આશંકા
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, લોકો નાવડી દ્વારા નદી પાર કરે છે. આ દરમિયાન નાવડીમાં તેની ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરવામાં આવ્યા હતા. વધુ ભાર અને સંતુલન બગડતા નાવડી કિનારા પાસે જ પલટી મારી ગઈ હતી. નાવડી પલ્ટી મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
નાવડી સંચાલન પર દેખરેખ રાખવાની માંગ
સ્થાનિકોમાં આ ઘટનાને લઈ રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે બ્રિજ તૂટ્યા બાદ વિકલ્પરૂપે વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી. નાવડીમાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરવામાં આવતા જોખમ વધ્યું છે. પ્રશાસન દ્વારા નાવડી સંચાલન પર કડક દેખરેખ રાખવામાં આવે, અને પેસેન્જર ક્ષમતાનું પાલન થાય તેવી માંગ ઉઠી છે.
