Vadodara: સાવલીમાં ST બસોની અનિયમિતતા સામે જનરેલાપ, વિદ્યાર્થીઓએ રસ્તા રોકી કર્યો ચક્કાજામ

સાવલીમાં ST બસોની અનિયમિતતાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગે એસ.ટી. બસો રોકીને ચક્કાજામ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 06 Aug 2026 01:34 PM (IST)Updated: Thu, 06 Aug 2026 01:34 PM (IST)
savli-st-bus-irregularity-students-protest-demand-gsrtc-vadodara
Savli ST Bus Depo

Savli ST Bus Transportation: સાવલી તાલુકામાં ST વિભાગની બસોની અનિયમિતતા મુદ્દે મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સહનશક્તિનો અંત આવ્યો છે. સમય પર બસો ન મળવા અને ઓછી બસો ઉપલબ્ધ હોવાના વિરોધમાં અનેક વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોએ સાવલી ખાતે એસ.ટી. બસો રોકીને ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો અને માહોલ ગરમાયો હતો.

ક્ષમતા કરતા વધુ મુસાફરો અને અપૂરતી સુવિધા

છેલ્લા ઘણા સમયથી સાવલી વિસ્તારમાં એસ.ટી. બસોના ધાંધીયા જોવા મળી રહ્યા છે. એક જ બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોનો ભરાવો થતો હોવાથી મુસાફરોની સુરક્ષા અને સુવિધા જોખમાઈ રહી છે. આ સમસ્યા અંગે અગાઉ પણ અનેક વખત ડેપો મેનેજર અને ડીવીઝનલ કંટ્રોલરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.

naidunia_image

પોલીસનો કાફલો ઘટનાસ્થળે, તંત્રએ આપી ખાતરી

ચક્કાજામની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોએ તેમની મુખ્ય માંગણી રજૂ કરતા જણાવ્યું કે, ગોધરા રૂટની ઉદલપુર વાયા સાવલી પર નિયમિત બસો દોડાવવામાં આવે. વધુમાં, ટુંડાવ રૂટ પર પૂરતી સંખ્યામાં અને મોટી બસો ફાળવવામાં આવે.

વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

તંત્રના અધિકારીઓની સમજાવટ અને યોગ્ય કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ હાલમાં મામલો થાળે પડ્યો છે અને ચક્કાજામ દૂર કરવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.