UpdatedIST

વડોદરાના તરસાલીમાં અકસ્માતઃ બળીયાદેવ મંદિર પાસે ડમ્પરે અડફેટે લેતા એક્ટિવા સવાર આધેડનું મોત

બળીયાદેવ મંદિર પાસેથી પસાર થતી વેળાએ પાછળથી તેજ ગતિએ આવી રહેલા ડમ્પરે અચાનક જોરદાર ટક્કર મારી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 22 Feb 2026 12:33 PM (IST)Updated: Sun 22 Feb 2026 12:33 PM (IST)
tarsali-vadodara-accident-activa-rider-killed-after-dumper-collision-near-baliyadev-temple-696557

Vadodara News: વડોદરાના તરસાલીમાં બેફામ દોડતા ડમ્પરે એક એક્ટિવાને અડફેટે લીધું હતું. ડમ્પરે અડફેટે લેતા એક્ટિવા સવાર વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજા પહોંચતા 55 વર્ષી દોલતરામ લુહારનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મળતી વિગતો અનુસાર, જામ્બુવા વિસ્તારમાં રહેતા દોલતરામ લુહાર સવારે પોતાના એક્ટિવા પર કામસર નીકળ્યા હતા. બળીયાદેવ મંદિર પાસેથી પસાર થતી વેળાએ પાછળથી તેજ ગતિએ આવી રહેલા ડમ્પરે અચાનક જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે દોલતરામ સીધા જ ડમ્પરના આગળના ટાયર નીચે આવી ગયા હતા. ટાયર ફરી વળતા તેમને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પળવારમાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

અકસાનતની અસર એટલી ગંભીર હતી કે એક્ટિવા ડમ્પરના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. આસપાસના લોકોએ હિંમત દાખવી વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

અકસાનત સર્જી ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પરચાલક સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરચક વિસ્તારમાં ભારે વાહનોની બેફામ દોડને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી ચિંતા વ્યક્ત થતી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

દોલતરામ લુહાર બસ બોડી બનાવટના કામ સાથે સંકળાયેલા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા અને હાલમાં જામ્બુવામાં પરિવાર સાથે રહેતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે રાજસ્થાન લઈ જવામાં આવશે.