Vadodara News: વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર મુસાફરોના સામાનની રૂટિન સ્ક્રિનિંગ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ફરીવાર શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. 15 નવેમ્બરના વહેલી સવારે વડોદરાથી મુંબઈ જતી ફ્લાઇટ માટે કરવામાં આવેલી તપાસ દરમિયાન એક મુસાફરના ટ્રોલી બેગમાંથી ફૂટેલી કારતૂસ મળી આવતા એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મૂળ મૈસૂર, કર્ણાટકના રહેવાસી 45 વર્ષીય મુસાફર પવનકુમાર હનુમાનથાપા એસ. એચ. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક પૂછપરછમાં પવનકુમારે જણાવ્યું હતું કે તેઓ 12 નવેમ્બરના રોજ તુર્કીના ઇસ્તાન્બુલ શહેરથી મુંબઈ એરપોર્ટ પર આવેલા હતા અને 13 નવેમ્બરે વડોદરા પહોંચ્યા હતા. ઓફિસના કામસર મકરપુરા GIDC જવાના બાદ તેઓ વાસણા-ભાયલી રોડ પર આવેલી હોટેલ હયાતમાં બે દિવસ રોકાયા હતા.
15 નવેમ્બરે મૈસૂર પરત જવા માટે રવાના થવાના હતા, ત્યારે સ્ક્રિનિંગ દરમ્યાન તેમની ટ્રોલી બેગમાં ફૂટેલી કારતૂસ મળી આવી હતી. એરપોર્ટ સુરક્ષા અધિકારીઓએ તરત જ બેગની ચકાસણી કરી અને ઘટના અંગે હરણી પોલીસને જાણ કરી હતી. પૂછપરછ દરમિયાન પવનકુમારે દાવો કર્યો હતો કે આ ફૂટેલી કારતૂસ તેમને તુર્કીમાં મળી આવી હતી અને ભૂલથી બેગમાં રહી ગઈ હોવાનું જણાવ્યું છે.
તાજેતરમાં જ હરણી એરપોર્ટ પર એક વિદેશી મુસાફરના બેગમાંથી કારતૂસના ખાલી ખોખા મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ફરીવાર આવી ઘટના સામે આવતા એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચાઓ તેજ બની છે. હાલ હરણી પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ હેઠળ છે કે કારતૂસ કેવી રીતે બેગમાં પહોંચ્યું અને મુસાફરની વાતમાં કોઈ વિસંગતતા તો નથી.
