વડોદરામાં ગોલ્ડ લોન ફ્રોડ: વેલ્યૂઅરે બે ગ્રાહકો સાથે મળી બેન્કને 13.53 લાખનો ચુનો લગાવ્યો

બેન્કે કમિટી રચી દાગીનાના પેકેટ વીડિયોગ્રાફી સાથે ખોલવામાં આવ્યા. મૂલ્યાંકનકાર સંદીપ એચ. સોનીએ ચકાસણી કરતાં બંને ગ્રાહકોના ગીરવે મુકેલા દાગીના નકલી હોવાનું જાહેર થયું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 09 Dec 2025 03:32 PM (IST)Updated: Tue 09 Dec 2025 03:32 PM (IST)
vadodara-gold-loan-fraud-appraiser-two-customers-cheat-bank-of-rs-13-53-lakh-652298

Vadodara News: વડોદરાની ન્યુ વી.આઇ.પી. રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં ખોટા દાગીનાને સાચા તરીકે મૂલ્યાંકન કરી લોન મેળવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષથી વધુ સમય બાદ ભાંડો ફૂટતા બેન્ક મેનેજર સૌરભ દિનેશપ્રસાદ શાહે વારસિયા પોલીસ સ્ટેશનમાં વેલ્યૂઅર દિલીપ નટવરભાઇ સોની અને બે એકાઉન્ટ હોલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બેન્કને કુલ 13.53 લાખની લોનનું નુકસાન થયું છે.

માહિતી અનુસાર, દિલીપ સોની ‘શ્રદ્ધા જ્વેલર્સ’ નામની દુકાન ચલાવે છે અને બેન્કમાં સોનાના દાગીનાનું મૂલ્યાંકન કરનાર તરીકે નિમણૂંક થયેલા હતા. 13 ઓગસ્ટ 2019 ના રોજ જીગ્નેશ હસમુખભાઇ સોનીએ 519.450 ગ્રામ વજનના દાગીના ગીરવે મૂક્યા હતા. વેલ્યૂઅર દ્વારા તેઓની કિંમત 16.84 લાખ દર્શાતા બેન્કે તેમને 9.88 લાખની લોન મંજૂર કરી હતી.

ત્યારબાદ 26 સપ્ટેમ્બર 2019ના રોજ રફીક અસર્ફભાઇ મલેકે 160.400 ગ્રામ દાગીના ગીરવે મૂકી 3.65 લાખની લોન લીધી હતી. બંને કેસમાં દિલીપ સોનીના મૂલ્યાંકન આધારે દાગીના શુદ્ધ હોવાનું માનવામાં આવ્યું હતું.

લોનની એક વર્ષની મુદ્દત પૂરી થતા બંને ગ્રાહકોને દાગીનાના પુનઃમૂલ્યાંકન માટે બેન્કે અનેક નોટિસ આપી હતી, પરંતુ તેઓ હાજર રહ્યા નહોતાં. જેના પગલે બેન્કે કમિટી રચી દાગીનાના પેકેટ વીડિયોગ્રાફી સાથે ખોલવામાં આવ્યા. મૂલ્યાંકનકાર સંદીપ એચ. સોનીએ ચકાસણી કરતાં બંને ગ્રાહકોના ગીરવે મુકેલા દાગીના નકલી હોવાનું જાહેર થયું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વેલ્યૂઅર દિલીપ સોનીએ જીગ્નેશ સોની અને રફીક મલેક સાથે મળીને કાવતરું રચી નકલી દાગીનાને સાચા તરીકે દર્શાવી બેન્કમાંથી લોન કાઢી આપી હતી. સમગ્ર મામલો સામે આવતાં જ ત્રણેય સામે વિશ્વાસઘાત, કૌભાંડ અને ઠગાઈના ગુના હેઠળ વારસિયા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.