Vadodara News: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને કિશોર અવસ્થામાં ભટકી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલી 17 વર્ષની સગીરા એક 19 વર્ષના યુવક સાથે લગ્ન કરવાની જીદ પર ઉતરી આવી હતી. મામલો બિચકતા આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી.
ત્રણ વર્ષથી ચાલતો હતો પ્રેમ સંબંધ
મળતી માહિતી મુજબ, બાપોદ વિસ્તારમાં રહેતી આ સગીરાનો પરિચય ત્રણ વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક 19 વર્ષીય યુવક સાથે થયો હતો. ધીરે ધીરે આ પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં હતા અને તે દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પરિવારની ચિંતા અને આત્મહત્યાની ધમકી
સગીરાએ તાજેતરમાં જ યુવક સાથે રહેવા અને તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. પરિવારજનોએ દીકરીને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે માનવા તૈયાર નહોતી. ઉલટાનું, જો તેને યુવક સાથે લગ્ન કરવા દેવામાં નહીં આવે તો તે આત્મહત્યા કરી લેશે, તેવી ધમકી આપવા લાગી હતી. દીકરીના આવા વલણથી પરિવાર ઘેરી ચિંતામાં મૂકાયો હતો.
અભયમ ટીમનું કાઉન્સેલિંગ
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પિતાએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરાને સાંભળી હતી. કાઉન્સેલિંગ દરમિયાન ટીમે તેને સમજાવ્યું હતું કે, લગ્ન માટે તેની હાલની વય કાયદેસર રીતે યોગ્ય નથી. આ ઉંમર કારકિર્દી અને અભ્યાસ પર ધ્યાન આપવાની છે. આવેગમાં આવીને લીધેલો નિર્ણય ભવિષ્ય બગાડી શકે છે.અભયમ ટીમે તેને ભવિષ્યમાં આત્મનિર્ભર બની પોતાની રીતે મક્કમ નિર્ણયો લેવા પ્રેરણા આપી હતી.
પોલીસ ફરિયાદની તજવીજ
મામલાની ગંભીરતા જોતા સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દીકરી સગીર વયની હોવાથી અને તેની સાથે શારીરિક સંબંધો બંધાયા હોવાની બાબતને ધ્યાનમાં રાખી, પિતા દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે વાલીઓએ પોતાના સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખવી અને તેમની સાથે મિત્રતાભર્યું વાતાવરણ રાખવું અનિવાર્ય બન્યું છે.
