Vadodara News: વડોદરા શહેર નજીકના બાજવા–છાણી રોડનો મુદ્દો વધુ વિકટ બન્યો છે. સરકાર દ્વારા રોડ કોર્પોરેશનની હદમાં 24 મીટરનો માર્ગ મંજૂર થયા છતાં વર્ષોથી રસ્તાનું કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. તેમજ આ માર્ગ પરથી પસાર થતાં ડમ્પરો અને અન્ય માલવાહક ગાડીઓમાંથી જીપ્સમ ઢોળાવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આંખોમાં બળતરા થઇ રહી છે. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા ગઇકાલ રાતથી ચક્કાજામ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ગાડીઓ ઓવરલોડેડ હોય છે અને તેમાં ભરાયેલ સલ્ફર તથા જીપ્સમ રોડ પર ઢોળાઈ જાય છે. જેના કારણે હવામાં સળગતા રસાયણો ફેલાતા લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી તકલીફો વધી રહી છે. વિદ્યાર્થીઓ માટે સ્થિતિ ખાસ ગંભીર બની છે, કારણ કે આ વિસ્તારમા ત્રણ પ્રાથમિક શાળાઓ અને બે હાઇસ્કૂલ આવેલી છે. સવારે અને સાંજે ડમ્પરોની બેફામ દોડને કારણે અકસ્માતનો ભય સતત વકરે છે.

સ્થાનિક રહેવાશી મનીષભાઈ પિલ્લેએ જણાવ્યું કે શરૂઆતમાં માત્ર 6 મીટરનો રોડ બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ લોકોએ કલેક્ટરને રજૂઆત કરી 24 મીટરનો માર્ગ બનાવવા માગણી કરી હતી. તેમ છતાં કામ આજ સુધી શરૂ થયું નથી. છેલ્લા 40 વર્ષથી લોકો યોગ્ય રસ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સાંસદથી લઇને સિટીના અધિકારીઓ સુધી સૌને રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી સ્થળ પર આવવા તૈયાર નથી.

વધતા પ્રદૂષણ અને અકસ્માતના ભયને પગલે ગામના લોકો એકત્ર થઈ ચક્કાજામ કરતાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તરત જ રોડનું નિર્માણ શરૂ નહીં થાય અને પ્રદૂષણ રોકવા માટે અસરકારક પગલાં નહીં લેવાય તો તેઓ આ માર્ગને બાંબુઓ મારી સદંતર માટે બંધ કરી દેશે. બાજવા–છાણી રોડની સમસ્યા હવે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો મુદ્દો બની ગઈ છે. સરકાર અને તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરી અસરકારક કાર્યવાહી કરે તેવો સ્થાનિકોનો કડક અવાજ ઉઠ્યો છે.
