Vadodara News: વડોદરાના અંકોડિયા ગામમાં આવેલા ફરાસખાનાના ખુલ્લા ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં આજે સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા ઊઠતા અફરા-તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં તરત જ વડોદરા મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. થોડા જ સમયમાં શહેરના ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા હતાં. ગોડાઉનમાં મોટા પાયે ફરાસખાનું અને અન્ય સામાન સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ભભૂકી ઊઠી હતી. અગ્નિશામક દળે પાણીના જોરદાર મારો અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવા ભારે જહેમત કરવી પડી હતી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ગામલોકોના જણાવ્યા મુજબ ગોડાઉન ખુલ્લા પ્લોટમાં બનાવવામાં આવ્યું હતું, જ્યાં ઇલેક્ટ્રિકલ કનેક્શન અને સુરક્ષા સાધનોના પુરતા ઉપાય ન હોવાથી આગ ફેલાવામાં સરળતા થઈ હોય તેવા પ્રાથમિક અંદાજો વ્યક્ત કરવામાં આવ્યા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ગોડાઉનમાં સંગ્રહિત ફરાસખાનું અને અન્ય સામાન સંપૂર્ણપણે બળી ખાખ થતા ગોડાઉન માલિકને લાખો રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કૂલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં કોઈ જોખમ ન રહે તેની ખાતરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.
