Vadodara melting road: વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે, પરંતુ આ કાળઝાળ ગરમીની સાથે તંત્રની પોલ પણ 'ઓગળી' રહી છે. વડોદરાના દક્ષિણ વિસ્તારમાં આવેલા માણેજાથી સુશેન તરફ જતા મુખ્ય માર્ગ પર ડામર પીગળીને રસ્તા પર પથરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
રસ્તા પર પગરખાં ચોંટ્યા, અકસ્માતનો ભય વધ્યો
છેલ્લા બે દિવસથી માણેજા-સુશેન રોડ પર ડામર પીગળીને પ્રવાહી બની ગયો છે. ખાસ કરીને બપોરના સમયે જ્યારે તાપમાન ઊંચું જાય છે. ત્યારે રસ્તા પર ડામરની ચીકણી પરત જામી જાય છે. આ માર્ગ ઓળંગતા રાહદારીઓના ચપ્પલ અને પગરખાં ડામરમાં ચોંટી રહ્યા છે. જેના કારણે લોકોએ ઉઘાડા પગે ચાલવાની નોબત આવી છે. ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો 'સ્લિપરી' બની ગયો હોવાથી ગંભીર અકસ્માતની સંભાવના વધી ગઈ છે.
ટેકનિકલ ખામી કે મટીરિયલમાં ગેરરીતિ?
નિષ્ણાતોના મતે, રસ્તાના નિર્માણમાં જ્યારે 'સોફ્ટનિંગ પોઈન્ટ' જળવાયો ન હોય અથવા ડામરમાં જરૂર કરતા વધારે ઓઈલનું પ્રમાણ હોય, ત્યારે જ તે સામાન્ય ગરમીમાં પીગળવા લાગે છે. માણેજા-સુશેન રોડની આ સ્થિતિ સીધો નિર્દેશ કરે છે કે, કાં તો મટીરિયલ હલકી ગુણવત્તાનું છે અથવા તો એન્જિનિયરિંગના માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
લોકમાંગ જવાબદારો સામે કડક પગલાં ભરો
હાલ તો આ માર્ગ પરથી પસાર થવું એ જીવના જોખમ સમાન બની ગયું છે. વાહનોના ટાયર પર ડામર ચોંટવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની છે. સ્થાનિક રહીશોની માંગ છે કે, વડોદરા મહાનગરપાલિકાનો માર્ગ-મકાન વિભાગ આ મામલે તાત્કાલિક તપાસ કરે, રસ્તા પર રેતી કે ધૂળ નાખીને તેને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવે ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
