Vadodara News: વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ જેવા એક ગંભીર ગુનાનો આરોપી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે આરોપી ફરજ પરના કોન્સ્ટેબલને ધક્કો મારીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દુષ્કર્મના ગંભીર ગુનામાં કસ્ટડીમાં રહેલ ગોવિંદ વહોનિયા નામના આરોપીને સ્વાસ્થ્ય સંબંધી તકલીફના કારણે પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
હોસ્પિટલના સ્કિન વિભાગમાં જ્યારે ડોક્ટરો તેની તપાસ કરી રહ્યા હતા અને પોલીસ જવાનો તેની આસપાસ હાજર હતા, ત્યારે જ આરોપીએ અચાનક મોકો જોઈને હાજર કોન્સ્ટેબલને ધક્કો માર્યો હતો અને ક્ષણભરમાં જ નજર ચૂકવીને હોસ્પિટલના પરિસરમાંથી રફૂચક્કર થઈ ગયો હતો.
Navpancham Rajyog 2026: આવતીકાલે આ 4 રાશિઓનું ભાગ્ય રાતોરાત ચમકશે
પોલીસ કર્મચારી કશું વિચારે કે સમજે તે પહેલાં જ આરોપી અદ્રશ્ય થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. પોલીસ વિભાગમાં આ ઘટનાને કારણે ભારે દોડધામ મચી ગઈ છે અને તાત્કાલિક ધોરણે અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે સતર્કતા વધારી દીધી છે. ફરાર આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે શહેરમાં વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી છે તેમજ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ખાસ કરીને આરોપી ઝડપથી પકડાય તે માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
સયાજી હોસ્પિટલ અને આસપાસના સંકુલમાં ડ્રોન કેમેરાની મદદથી પણ આરોપીની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેથી આસપાસની અગાસીઓ કે છુપાઈ શકાય તેવી જગ્યાઓ પર નજર રાખી શકાય.
બીજી તરફ આ સમગ્ર ઘટના સયાજી હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે હોસ્પિટલ અને આસપાસના રસ્તાઓના સીસીટીવી ફુટેજ કબજે કરી લીધા છે, જેના આધારે આરોપી કઈ દિશામાં નાસી છૂટ્યો છે અને કયા માર્ગનો ઉપયોગ કર્યો છે તેની કડીઓ મેળવવામાં આવી રહી છે.
હાલ તો ફરાર થયેલા કુખ્યાત આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસ ટીમો કામે લાગી છે અને વહેલી તકે તેને ફરી જેલના સળિયા પાછળ ધકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
