વડોદરાના મકરપુરા GIDCમાં અસામાજિક તત્વોનો આતંક: શાકભાજી વેચાણના ભાવ મુદ્દે વિવાદ બાદ યુવક પર ચાકુથી જીવલેણ હુમલો

ઓછા ભાવે શાકભાજી વેચાણ થતું હોવાનો આક્ષેપ કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. પ્રારંભિક બોલાચાલી બાદ વાત ઉગ્ર બની ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Mar 2026 12:47 PM (IST)Updated: Sun 15 Mar 2026 12:47 PM (IST)
vadodara-news-youth-stabbed-after-vegetable-price-dispute-in-makarpura-gidc-708550

Vadodara News: વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર નજીક આવેલા મકરપુરા GIDC વિસ્તારમાં શાકભાજી વેચાણના ઓછા ભાવને લઈને શરૂ થયેલો વિવાદ હિંસક બનતા એક યુવક પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઝપાઝપી દરમિયાન યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઓછા ભાવે શાકભાજી વેચવા બાબતે બોલાચાલી થઇ હતી

માહિતી અનુસાર, મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. મકરપુરા GIDC નજીક ભૂમિ ચોકડી પાસે ટેમ્પો બંધ પડી જતાં તેમણે રોડની બાજુમાં જ શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીકમાં જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં પહોંચ્યા હતા. ઓછા ભાવે શાકભાજી વેચાણ થતું હોવાનો આક્ષેપ કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

બોલાચાલી ઉગ્ર બની મારામારી અને હુમલા સુધી પહોંચી

પ્રારંભિક બોલાચાલી બાદ વાત ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન ઇમરાનનો ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ ત્યાં આવી જોડાયો હતો. થોડી જ વારમાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢી મુકીમ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મુકીમને કમર, ગળા તેમજ ડાબી આંખ પાસે ઘા લાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરીને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી મુકીમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી હતી અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મુકીમ પઠાણની ફરિયાદના આધારે ઇમરાન તસીરખાન પઠાણ, મોહમ્મદ સાબાન ખાન અને શાહિદ સહિત ચાર વ્યક્તિઓ સામે મારામારી અને જીવલેણ હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી મારામારીની ઘટનાઓને લઈને ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

છાણી ટીપી-13 રોડ પર કારની ટક્કરે બાઈક સવાર ગંભીર ઇજાગ્રસ્ત

અન્ય એક બનાવની વાત કરીએ તો વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા ટીપી-13 રોડ પર એક બેફામ કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બાઈક સવાર યુવક ટીપી-13 રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર આવેલા સ્પીડ બ્રેકરના કારણે તેને અચાનક બ્રેક મારવી પડી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ અને બેફામ ઝડપે આવી રહેલી કાર બાઈક સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવક રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસાન બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવકને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ફતેગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત સર્જનાર કાર અને તેના ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.