Vadodara News: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના નેટવર્ક પર મકરપુરા પોલીસે સપાટો બોલાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે હવેલી ચાર રસ્તા પાસે આવેલા પેરેડાઇઝ પ્લામ્સ ખાતે પાડવામાં આવેલી રેડમાં પોલીસે ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અને લેપટોપ સહિત કુલ રૂ. 5,65,410નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓનલાઈન સટ્ટો રમાતો હોવાનો ખુલાસો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા પોલીસની ટીમને હવેલી ચાર રસ્તા નજીક પેરેડાઇઝ પ્લામ્સમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T-20 ક્રિકેટ મેચના હાર-જીત તેમજ વિવિધ રન અને સેશન પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાનો સ્પષ્ટ ખુલાસો થયો હતો.
વોટ્સએપ ગ્રુપ મારફતે સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવતું
આ સમગ્ર રેકેટમાં આરોપીઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ મારફતે સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગ્રાહકો અને સટોડિયાઓ વચ્ચે સંપર્ક સાધવા તેમજ મેચના ભાવ અને હિસાબ-કિતાબની આપ-લે માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવામાં આવતો હતો. મકરપુરા પોલીસે સ્થળ પરથી સટ્ટાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી તેમની કડક પૂછપરછ શરૂ કરી છે.
26 મોબાઇલ અને 4 લેપટોપ કબજે કરવામાં આવ્યા
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,52,410ની રોકડ રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત સટ્ટાના નેટવર્કમાં ઉપયોગમાં લેવાતા 26 મોબાઇલ ફોન અને 4 લેપટોપ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. રોકડ રકમ તથા ઇલેક્ટ્રોનિક સાધનો મળી કુલ રૂ. 5,65,410નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે શરુ કરી ઉંડાણપૂર્વક તપાસ
આ મામલે મકરપુરા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, વોટ્સએપ ગ્રુપના મુખ્ય સંચાલકો કોણ છે અને અગાઉ કેટલા સમયથી આ સટ્ટાની પ્રવૃત્તિ ચાલતી હતી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
