UpdatedIST

Vadodara: હોળી-ધુળેટી પર વડોદરા ST ડેપોનું આયોજન, 325 વધારાની બસો દોડશે; જરૂર પડે તો વધુ બસની તૈયારી

હોળી-ધૂળેટીના પર્વે ઘરે જવાની આતુરતા ધરાવતા હજારો મુસાફરો માટે ST વિભાગનું આ આયોજન રાહતરૂપ સાબિત થશે.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 21 Feb 2026 02:43 PM (IST)Updated: Sat 21 Feb 2026 02:43 PM (IST)
vadodara-st-depot-will-run-extra-bus-during-holi-dhuleti-festival-by-gsrtc-696146
HIGHLIGHTS
  • હોળી-ધુળેટી પર વડોદરા ST ડેપો દ્વારા આયોજન
  • વડોદરા ST ડેપોથી 325 વધારાની બસો દોડાવાશે
  • જરૂરિયાત મુજબ વધુ બસો માટે પણ તૈયારી કરી

Vadodara Holi Bus Service: રંગોના પર્વ હોળી અને ધૂળેટીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વતનથી દૂર વડોદરામાં વસતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. તહેવાર દરમિયાન વધતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) વડોદરા વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

હોળીને લઈ મુસાફરોની ભારે અવરજવર

હોળી-ધુળેટીનો તહેવાર ખાસ કરીને આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રોજગાર માટે સ્થાયી થયેલા લોકો હોળી-ધૂળેટીના પર્વ માટે પોતાના માદરે વતન પરત ફરી અને પરિવાર સાથે ધામધૂમથી ઉજવણી કરે છે. પરિણામે દર વર્ષે ST બસોમાં ભારે ભીડ જોવા મળે છે.

વડોદરા ST ડેપોથી વધારાની બસો દોડશે

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ST વિભાગે અગાઉથી જ આયોજનબદ્ધ પગલાં લીધાં છે. તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને આગામી 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી વડોદરા એસટી ડેપોથી વધારાની 325 બસો દોડાવવામાં આવશે. ઉપરાંત જો તેમ છતાં મુસાફરોને અગવડતા પડે તો બસ સુવિધા વધારવામાં આવશે.

મુસાફરોની સરળ મુસાફરી માટે વધારાની ટ્રીપ

વડોદરા ST વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરે જણાવ્યું હતું કે, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર અને ડાકોર સહિતના વિસ્તારો માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવાર દરમિયાન મુસાફરોને સરળ અને સુગમ મુસાફરી મળી રહે તે માટે વધારાની ટ્રીપો પણ ગોઠવવામાં આવી છે.

જરૂરિયાત મુજબ વધુ બસની તૈયારી

વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વધારાની બસો ચલાવવાથી મુસાફરોને આરામદાયક પ્રવાસની સુવિધા મળશે અને સાથે જ નિગમને વધારાની આવક પણ થશે. જો નિર્ધારિત દિવસોમાં મુસાફરોની સંખ્યા અનુમાન કરતા વધુ રહેશે તો જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવવાની તૈયારી પણ રાખવામાં આવી છે. હોળી-ધૂળેટીના પર્વે ઘરે જવાની આતુરતા ધરાવતા હજારો મુસાફરો માટે ST વિભાગનું આ આયોજન રાહતરૂપ સાબિત થશે.