Vadodara News: વડોદરા શહેરમાં રખડતી ગાયોના આતંકના કારણે એક જ રાત્રે બે દુર્ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ છે. મહેસાણાનગર પાસે ગાયની અડફેટે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજી ઘટનામાં સોમા તળાવ પાસે બુલેટ ચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બંને અકસ્માતોના CCTV ફૂટેજ સામે આવતાં રખડતા ઢોરના મુદ્દે ફરી એકવાર પાલિકા પર સવાલો ઊભા થયા છે.
ગાયે અડફેટે લેતા યુવક ડિવાઇડર સાથે અથડાયો
પ્રાપ્ત વિગતો મુજબ, ન્યૂ સમા રોડ પર આવેલી મંગલદર્શન સોસાયટીમાં રહેતા સંદીપ નેગી રાત્રે પોતાના મિત્ર પ્રશાંત ઐયરને મળવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. તે દરમિયાન મહેસાણાનગર પાસે રસ્તા પર અચાનક ગાય આવી જતા સંદીપની બાઈક તેની સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સંદીપનું ડિવાઈડર સાથે માથું અથડાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મધરાતે 3.30 વાગ્યે મિત્ર પ્રશાંત ઐયરને સંદીપના મોબાઈલ પરથી અકસ્માતની જાણ થતા તેઓ તરત જ ફતેગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આ બનાવની નોંધ લઈને તપાસ શરૂ કરી છે.
ગાય સામે આવી જતા બાઇક સવાર નીચે પટકાયો
અન્ય ઘટનામાં માંજલપુર વિસ્તારમાં રહેતા ભાવિન પટેલ રાત્રે 10 વાગ્યાના અરસામાં પોતાના મિત્રને મળીને બુલેટ પર ઘરે પાછા ફરતા હતા. તે સમયે સોમા તળાવ પાસે અચાનક ગાય બાઈક સામે આવી જતા ભાવિનનું સંતુલન બગડ્યું અને તે રોડ પર 15 ફૂટ સુધી ઢસડાઈ ગયા. અકસ્માતમાં તેમને કાન તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે સોમા તળાવ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં રખડતી ગાયો રાત્રે ખુલ્લેઆમ ફરતી હોય છે, જેના કારણે અકસ્માતની સંભાવના વધે છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના અધિકારી વિજય પંચાલે જણાવ્યું કે “રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે અને છેલ્લા એક મહિનામાં 300થી વધુ ગાયો પકડીને ઢોર ડબ્બામાં મૂકી છે.” તેમ છતાં આ પ્રકારની વારંવારની દુર્ઘટનાઓથી શહેરમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
